Satya Tv News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર દિલીપ જોષી ભજવે છે. તાજેતરમાં જ દિલીપ જોષીએ 54મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. દિલીપ જોષીએ પોતાના પાત્ર જેઠા અંગે વિગતે વાત કરી હતી. આટલું જ નહીં દિલીપ જોષીએ દિશા વાકાણી અંગે પણ વાત કરી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે ભગવાન ઘણો જ દયાળું છે. થોડાં સમયમાં જ સિરિયલના 14 વર્ષ પૂરા થશે. આ સપના જેવું લાગે છે. દર્શકો હજી પણ તેમને પ્રેમ કરે છે.

‘તારક મહેતા..’ના પ્રોડ્યૂસર અસિત મોદી છે. અસિત મોદી અંગે વાત કરતાં દિલીપ જોષીએ કહ્યું હતું, હું કોલેજના દિવસોથી અસિત મોદીને ઓળખું છું. અસિતને મારી એક્ટિંગ સ્કિલની ખબર છે. મારું કોઈ ઓડિશન લેવામાં આવ્યું નહોતું. અસિતે મને સિરિયલના બે પાત્રો જેઠાલાલ તથા ચંપકલાલમાંથી એકની પસંદગી કરવાની કહી હતી. ચંપકના પાત્ર અંગે હું સ્યોર નહોતો અને તેથી જ મેં જેઠાલાલનું પાત્ર પસંદ કર્યું હતું. આ પાત્ર પણ ‘તારક મહેતા’ની કોલમ કરતાં તદ્દન અલગ છે. અસિતજીએ ચંપકનું પાત્ર અલગ જ રીતે વિઝ્યુલાઇઝ કર્યું છે. સિરિયલમાં ચૉલને બદલે સોસાયટી બતાવવામાં આવી છે. સૌથી સારી વાત એ છે કે દરેક પાત્ર માટે યોગ્ય કલાકાર મળી ગયા છે.’

દિલીપ જોષીને એક સવાલમાં પૂછવામાં આવ્યું કે તેમને ખ્યાલ હતો કે આ શો આટલો લાંબો ચાલશે? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે પ્રામાણિક રીતે વાત કરે તો તેમને આ શો કરવામાં ઘણી જ મજા આવે છે. આજે પણ જેઠાલાલનું પાત્ર ભજવવામાં મજા છે. તે ગીત ગાય છે, ડાન્સ કરે છે, ફાઇટ કરે છે અને ઘણીવાર ડ્રીમ સીક્વન્સ પણ હોય છે. હિંદી ફિલ્મનો હીરો જે કરે તે બધું જ રોજ કરે છે. તેઓ શોમાં દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે. આનાથી વધારે શું જોઈએ?

વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે થિયેટર કર્યા બાદ તેમણે આ સિરિયલમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે મોટાભાગના રોલ ભજવી નાખ્યા છે અને તેથી જ તેમને ક્યારેય કંઈક અલગ કરવાની જરૂર લાગતી નથી. તેમને લાગતું જ નથી કે કંઈક બાકી રહી ગયું છે. એક્ટર તરીકે એક જ વસ્તુ વારંવાર કરવી અને દર્શકોનો રસ જળવાઈ રહે તેમ કરવું આ સૌથી મોટો પડકાર છે.

દિલીપ જોષીએ વાત કરતાં આગળ કહ્યું હતું કે તેમને જેઠાલાલના નામથી ઓળખાવું પસંદ છે અને તેની સામે કોઈ વાંધો નથી. કોઈ પણ કલાકારને ત્યારે જ સંતોષ થાય જ્યારે તે પાત્રના નામથી ઘેર-ઘેર લોકપ્રિય બને. તે માને છે કે દર્શકો જ્યારે તેમને જેઠાલાલ કહીને બોલાવે છે ત્યારે તેમને લાગે છે કે તે પોતાનું કામ સારી રીતે કરે છે.

નોંધનીય છે કે ઘણાં દર્શકો માને છે કે હવે આ સિરિયલ બંધ કરી દેવી જોઈએ. સિરિયલમાં કોઈ નવું કન્ટેન્ટ આવતું નથી અને જબરજસ્તી સિરિયલમાં હાસ્ય ઉમેરવામાં આવતું હોય તેમ લાગે છે. આ અંગે જ્યારે દિલીપ જોષીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે કન્ટેન્ટ ક્રિએટ કરવાનું કામ તેમના હાથમાં નથી છતાં ટીમ બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે. એક્ટર તરીકે તે સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરતાં હોય છે. દરેક લોકો રોજેરોજ ઘણી જ મહેનત કરે છે. ભગવાનની દયાથી તેમને અથવા ટીમમાં કોઈને સફળતા માથે ચઢી નથી. રોજ તેઓ કામ માટે સેટ પર આવે છે અને ચાહકોનું મનોરંજન કરે છે.

દિલીપ જોષીને દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી શોમાં પરત ફરશે કે નહીં તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. દિલીપ જોષીએ કહ્યું હતું કે તે ખુશ છે કે દિશા વાકાણી દીકરાની માતા બની. તે છેલ્લાં પાંચ વર્ષથી શોમાં કામ કરતી નથી. તે શોમાં પરત ફરશે કે નહીં તેની જાણ માત્રને માત્ર પ્રોડક્શન હાઉસને હોઈ શકે. તેઓ આ બધી વાતમાં ક્યારેય પડતા નથી. તે ખુશ છે કે દયા વગર પણ દર્શકોનો આટલો બધા પ્રેમ મળી રહ્યો છે.

નોંધનીય છે કે દિશા વાકાણી ઓક્ટોબર, 2017થી સિરિયલમાં જોવા મળતી નથી. દિશાએ નવેમ્બર, 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મના પાંચ વર્ષ બાદ દિશાએ મે, 2022માં દીકરાને જન્મ આપ્યો છે

error: