હાર્દિક પંડયાનો ઓલરાઉન્ડ દેખાવ : શુબ્મન ગિલની વિજયી સિક્સર
ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં રમાયેલી આઇપીએલની ફાઈનલમાં રાજસ્થાનને ૧૧ બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીતી લીધું હતુ. જીતવા માટેના ૧૩૧ના ટાર્ગેટને ગુજરાતે ૧૮.૧ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતુ.
આખરી ૧૨ બોલમાં ચાર રનની જરુર હતી, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને જીતાડી હતી. ગિલ ૪૫ રને નોટઆઉટ રહ્યો હતો.
કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૧૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ૩૪ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. અગાઉ ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. બટલરે ૩૯ રન કર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.
હાર્દિકે જણાવ્યું હતું કે ક્રિકેટને ઘણા લોકો બેટ્સમેનની રમત કહે છે, પરંતુ તમે જુઓ તો હંમેશાં બોલર તમને મેચ જિતાડે છે. જ્યારે બેટ્સમેન સ્કોર નથી કરતાં ત્યારે તમારી પાસે સારી બોલિંગ લાઈન હોય, જે અમારી પાસે હતી તો એ હંમેશા તમને કામ લાગે છે. અમે સારી બોલિંગના સપોર્ટથી દરેક મેચમાં 10 રન ઓછા આપ્યા છે. જ્યાં બીજી ટીમોએ 190 રન આપ્યા છે ત્યાં અમે 10 રન ઓછા કર્યા. આ 10 રન મેચ દરમિયાન ઘણું મહત્ત્વ ધરાવે છે, કારણ કે આને લીધે જ તમે મેચ હારો છો અને જીતો છે. જ્યારે અમે ટીમ બનાવતા હતા ત્યારે શરૂઆતથી જ અમે ક્લિયર હતા કે અમે એક મજબૂત બોલિંગલાઈન તૈયાર કરીશું, કારણ કે ક્યારેક બેટ્સમન ન પણ ચાલ્યા હોય તો તમે બોલરની મદદથી રમતમાં પરત ફરી શકો. આ બાબતે અમને ઘણી મદદ કરી
ટીમના કેપ્ટન તરીકે નવી જવાબદારી લેવી મને ગમી છે. મેં હંમેશાં બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. ટીમને હંમેશાં આગળ રહીને માર્ગદર્શન આપવું મને ગમતું હતું. એનાથી હું ટીમના સભ્યો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકું. મારું સપનું ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું છે. મારા માટે પહેલા ટીમ ઈન્ડિયા પહેલા છે. ટીમ ઈન્ડિયામાં રમવું એ દરેકનું સપનું હોય છે. ભારતીય ટીમના સભ્ય તરીકે મને અલગ પ્રેમ અને સપોર્ટ મળે છે. નવી ફ્રેન્ચાઇઝી હતી, પ્રથમ સીઝન હતી અને ચેમ્પિયન બન્યા તો એક અલગ છાપ છોડશે. 1.10 લાખ લોકો અમને જોવા માટે આવ્યા હતા તો કંઈક સ્પેશિલય આપવાનું તો બનતું હતું તો આ અમારા માટે સ્પેશિયલ છે. આટલા મહિનાની મહેનતનું આજે ફળ મળ્યું છે, આથી હું ઘણો ખુશ છું.
આ પહેલાં ચાર IPL જીતી એ પણ મારા માટે સ્પેશિયલ છે. આ જીત પણ મારા માટે સ્પેશિયલ છે. હું ભાગ્યશાળી છું કે પાંચવાર IPLની ફાઈનલમાં આવ્યો અને પાંચવાર ટ્રોફી ઉઠાવી છે.