પુષ્પા અને કેજીએફ જેવી સાઉથની ફિલ્મોને હિન્દી બેલ્ટમાં મળેલી સફળતા બાદ ઘણા લોકો બોલીવૂડના ભાવિ પર સવાલો ઉઠાવવા માંડ્યા છે.
તેના પર બોલીવૂડના સુપર હિટ ડિરેકટર રોહિત શેટ્ટીએ પ્રતિક્રિયા આપી છે.એક ઈવેન્ટમાં તેમણે કહ્યુહતુ કે, બોલીવૂડ ક્યારેય ખતમ નહીં થાય.તમે ઈતિહાસ જોઈ લો 50 અને 60ના દાયકામાં પ્યાર કિયે જા નામની રિમેક બની હતી.80ના દાયકામાં અમિતાભ અને વિનોદ ખન્નાનુ કેરિયર ટોપ પર હતુ ત્યારે કમલ હસનની એક દુજે કે લિયે હીટ થઈ હતી.
બોલીવૂડની બે ટોપની હિરોઈનો ગણાતી જયા પ્રદા અને શ્રીદેવી સાઉથના જ છે.જિતેન્દ્રની હિમ્મતવાલા, જસ્ટિસ ચૌધરી જેવી ફિલ્મો સાઉથની રીમેક હતી પણ બોલીવૂડમાં બીજી ફિલ્મો તે સમયે પણ બનતી રહી હતી.
રોહિતે આગળ કહ્યુ હતુ કે, જ્યારે વીસીઆર આવ્યા ત્યારે ઘણા કહેતા હતા કે, હવે બોલીવૂડ ખતમ થઈ જશે.જ્યારે ઓટીટીનુ આગમન થયુ ત્યારે પણ આવી વાત કહેનારા ઘણા હતા.બોલીવૂડ ખતમ થઈ જશે તેવુ વિચારવુ ઘણા માટે નશા સમાન છે પણ હકીકત એ છે કે, બોલીવૂડ ક્યારેય ખતમ નહીં થાય.
રોહિત શેટ્ટી હાલમાં સર્કસ નામની ફિલ્મનુ નિર્દેશન કરી રહ્યા છે.ઓટીટી પર તે ઈન્ડિયન પોલિસ ફોર્સ નામની સિરિઝ લોન્ચ કરવાની જાહેરાત પણ કરી ચુકયા છે.