Satya Tv News

નેપાળની તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હોવાની વાતની સોમવારે સવારે પુષ્ટિ થઈ છે. ત્યાંની આર્મીની સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમને મુસ્તાંગના સૌનોસેવેયર વિસ્તારના પહાડ પર એનો કાટમાળ મળ્યો છે. કાઠમંડુ પોસ્ટના જણાવ્યા મુજબ, રેસ્ક્યૂ ટીમને કાટમાળમાંથી 14 લોકોના મૃતદેહ મળ્યા છે. વિમાનમાં 4 ભારતીય અને 3 ક્રૂ-મેમ્બર સહિત 22 લોકો હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, વિમાન 43 વર્ષ જૂનું હતું.

એરક્રાફટે રવિવારે સવારે 9.55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. એ 10.20 વાગ્યે લેન્ડ થવાનું હતું. આ પહેલાં એર ટ્રાફિક કન્ટ્રોલર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

નેપાળ આર્મીએ રવિવારે સાંજે કહ્યું- સ્થાનિક લોકોએ કહ્યું કે લામ્છી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું. એ મુસ્તાંગ જિલ્લાના માના પતી હિમાલ ક્ષેત્રની નદી છે. ગઈકાલે ખરાબ હવામાનને કારણે સર્ચ અને રેસ્ક્યૂ-ઓપરેશન બંધ કરવું પડ્યું હતું. આ વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી હતી. આ કારણે સોમવારે શોધખોળ શરૂ કરવામાં આવી.

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના જણાવ્યા મુજબ, પ્લેનના એક કેપ્ટનનો મોબાઈલ ફોન ચાલુ હતો. તેના લોકેશનને જ્યારે ટ્રેસ કરવામાં આવ્યું તો એરક્રાફટનું પણ લોકેશન મળ્યું. જોકે સ્પોટ પર પહોંચવાની તમામ કોશિશો ખરાબ હવામાનના કારણે નિષ્ફળ ગઈ.

ફ્લાઈટમાં બેઠેલા લોકો અને ક્રૂનાં નામ
ભારતીયઃ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, ઋતિકા ત્રિપાઠી અને વૈભવી. નેપાળમાં ઈન્ડિયન એમ્બેસીએ હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો છે, એ આ છેઃ 977-9851107021

અન્ય પેસેન્જરનાં નામઃ ઈન્દ્ર બહાદુર ગોલે, પુરુષોતમ ગોલે, રાજન કુમાર, મિલ ગ્રાન્ટ, બસંત લામા, ગણેશ નારાયણ, રવીના શ્રેષ્ઠા, રશ્મી શ્રેષ્ઠા, રોજીના શ્રેષ્ઠા, પ્રકાશ સુનવાર, માકર બહાદુર તમાંગ, રમ્યા તમાંગ, સુકુમ્યા તમાંગ, તુલસાદેવી તમાંગ અને યુવી વિલ્નર.
ક્રૂ-મેમ્બર્સઃ કેપ્ટન પ્રભાકર ધિમિરે, કો-પાયલોટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિશ્મી થાપા.

નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે રવિવારે જણાવ્યું હતું કે એક MI-17 હેલિકોપ્ટરને મુસ્તાંગ મોકલવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિંદ્ર મણિ પોખરેલીએ રવિવારે જ કહ્યું હતું કે અમે વિમાનની શોધખોળ માટે મુસ્તાંગ અને પોખરામાં બે હેલિકોપ્ટર કામે લગાવ્યાં છે.

error: