ટામેટાના ભાવમાં એક જ મહિનામાં 60 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા 400 રૂપિયે 20 કિલો ટામેટા મળતા હતાં જેનો હાલ ભાવ 1100 રૂપિયા થઈ ગયો છે. ઉનાળો શરૂ થતાંની સાથે જ લિંબુના ભાવમાં વધારો થયો હતો. હવે લીબુંની જેમ ટામેટાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સુરત શહેરમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ગામોમાંથી ટામેટા સુરતમાં આવે છે. કમૌસમી વરસાદ, ખરાબ હવામાનને કારણે ટામેટાનું ઉત્પાદન ઓછું થયું છે. જેના કારણે જરૂરિયાત પુરતા ટામેટા સુરતમાં આવતા ન હોવાથી ભાવમાં વધારો થયો છે. હાલ સુરતમાં એક કિલો ટામેટાનો ભાવ રૂ.50થી 70 છે.
ટામેટાનું ઉત્પાદન ઓછું હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. સુરત શહેરમાં સામાન્ય દિવસોમાં રોજ 350 ટન ટામેટા અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. પરંતુ ઉત્પાદન ઓછું હોવાને કારણે હાલ 250 ટન ટામેટા જ સુરતમાં આવી રહ્યાં છે. આમ શહેરમાં 100 ટન ટામેટાની આવક ઓછી છે.
એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખ કહે છે કે, ‘કમૌસમી વરસાદ અને ટામેટાની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. એક મહિના પહેલ જે ભાવ હતા તેના કરતાં હાલ 60 ટકાનો વધારો થયો છે.’