બીજા વિદ્યાર્થીને મેસેજ કરી શાળામાં ગોળીબારની ધમકી આપી
ટેક્સાસની ઘટના પછી પોલીસ આવા પ્રકારની ધમકીઓને ગંભીરતાથી લઇ રહી છે
અમેરિકાના ફલોરિડામાં પાંચમાં ધોરણના એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે કારણકે તેણે ભીડ પર ગોળીઓ ચલાવવાની ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ૧૦ વર્ષના આ વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ટેક્સ મેસેજ કરી સ્કૂલમાં ગોળીબાર કરવાની ધમકી આપી હતી.
આ વિદ્યાર્થી કેપ કોરાલમાં પેટ્રિયટ એલિમેન્ટ્રી સ્કૂલમાં ભણે છે. વિદ્યાર્થીની ઉંમરને કારણે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને તેને ક્રિમિનલ તપાસ વિભાગના યુવા એકમને સોંપી દેવામાં આવ્યો છે.
શેરિફ કારમીન મારસીનોએ જણાવ્યું છે કે આ મજાક નથી. આ બાળકે જૂઠી ધમકી આપી હતી અને હવે તેને વાસ્તવમાં પરિણામ ભોગવવું પડી રહ્યું છે. લો કાઉન્ટી શેરિફ ઓફિસના એક વીડિયોમાં બાળકને હાથકડી પહેરી પોલીસની ગાડી તરફ આગળ વધતા બતાવવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે આપણા બાળકો સુરક્ષિત રહે તે ખૂબ જ જરૃરી છે. ટેક્સાસમાં બનેલી ઘટના પછી પોલીસ હવે આ પ્રકારની ધમકીઓને ગંભીરતાથી લઇ રહી છે.
આ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન ટેક્સાસના ઉવાલ્દેમાં શોક મનાવી રહેલા લોકોને મળવા માટે ગયા હતાં. ઉવાલ્દેની રોબ એલિમેન્ટ્રી સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ૧૯ બાળકો અને બે શિક્ષકોનાં મોત થયા હતાં.