16 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઇ તેની સાથે કારમાં જ વારંવાર રેપ કરનારને આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને પણ રૂપિયા 1.75 લાખના વળતરનો હુકમ કરાયો હતો.
આરોપી અને કિશોરીની મુલાકાત નવરાત્રિમાં થઈ હતી અને બાદમાં તેઓ સતત મળતા હતા. સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી. કોર્ટે ચૂકાદામાં નોંધ્યુ હતુ કે કોઈ પણ સગીર વયની બાળા કે જે પોતાના સારા-નરસાનું ભાન ધરાવતી નથી હોતી તેની સાથે આવી અઘટિત ઘટના તેના સમગ્ર જીવનને અસર કરે છે.

ઓલપાડ રહેતો અને ડ્રાઇવિંગનુ કામ કરતા પરિણીત આરોપી રોશન ગોમાન પટેલે 16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન સગીરાને માસિક નહી આવતા માતાને જાણ કરી હતી. મેડિકલ ચેકઅપમાં 4 માસનો ગર્ભ હોવાનું માલુમ પડતા હકિકત સામે આવી હતી. આરોપી સામે ગુનો નોંધાયો હતો. સગીરા જે ટયુશન જતી હતી ત્યાં આરોપી જતો હતો અને તેને ગાડીમાં બેસવા કહેતો. એક દિવસ બસ નહીં આવતા સગીરા બેસી ગઈ હતી ત્યારે આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ જ રીતે વારંવાર રેપ કર્યો હતો.
કિશોરીની મેડિકલ તપાસમાં તેને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સપાટી પર આવ્યુ હતુ એટલે કોર્ટની પરવાનગી બાદ કિશોરીનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો.