Satya Tv News

સિંગર કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે

‘હમ રહે યા ના રહે કલ’, ‘અલવિદા’, ‘અભી અભી તો મિલે હો’ જેવા અનેક બ્લોકબસ્ટર ગીતના ગાયક બોલીવુડના પોપ્યુલર સિંગર કેકે એટલે કે, કૃષ્ણ કુમાર કુન્નથનું નિધન થઈ ગયું છે અને આજે તેઓ પોતાના અંતિમ સફર પર નીકળશે. બુધવારે મોડી રાત્રે કેકેની પત્ની અને તેના બન્ને બાળકો તેમના પાર્થિવ શરીરને લઈને મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન કેકેની એક ઝલક જોવા માટે તેમના ફેન્સની ભીડ તેમના એપાર્ટમેન્ટની બહાર જોવા મળી હતી. કેકેના અંતિમ સંસ્કારની તૈયારી પૂરી કરી લેવામાં આવી છે.

સિંગર કેકેના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી તેમના ઘર પર જ રાખવામાં આવશે. જ્યાં મીડિયા અને તેમના ફેન્સ તેમના અંતિમ દર્શન કરી શકશે. બપોરે લગભગ 1:00 વાગ્યા બાદ વર્સોવા હિન્દુ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર થશે. જ્યાં ઈન્ડસ્ટ્રી, પરિવાર અને સામાન્ય લોકો પહોંચશે.

કેકેના પિતાને પણ વર્સોવા સ્મશાનગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી તેથી પરિવારે તેમને ત્યાં અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું છે. કેકેની અંતિમ યાત્રામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના અને બોલિવૂડના ઘણા દિગ્ગજો સામેલ થઈ શકે છે.

કેકેના મૃતદેહનું બુધવારે કોલકાતામાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ રિપોર્ટમાં કંઈપણ અસામાન્ય જોવા મળ્યું નહોતું. જોકે અંતિમ રિપોર્ટ 72 કલાક પછી મળશે. તબીબોના મતે કેકેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે પહેલાથી જ લિવર અને ફેફસાની સમસ્યાથી પીડિત હતો કારણ કે, તેના લિવર અને ફેફસાની સ્થિતિ બહુ સારી નથી. જો કે સત્ય શું છે તે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

બંદૂકની સલામી સાથે બંગાળ પોલીસે કેકેને અંતિમ વિદાય આપી હતી. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને એર ઈન્ડિયાના વિમાન દ્વારા કોલકાતાથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધી કેકેના નિધન પર ઉઠી રહેલા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

error: