પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસ તિહાર જેલમાં પૂછપરછ કરી છે
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રિમાન્ડ પર છે. પોલીસે તેને જૂના કેસમાં રિમાન્ડ પર લીધો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. પોલીસને હજુ સુધી મૂસેવાલાના શૂટરોનો સુરાગ મળ્યો નથી.
પોલીસની પૂછપરછમાં ગેંગસ્ટર લોરેન્સે સિંગર મૂસેવાલાની હત્યાથી પોતાને દૂર રાખ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કોઈ માહિતી નથી એવી પણ વાત કરી છે. લોરેન્સે પોલીસને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ મૂકવામાં આવી રહી છે તેમાં તેનો કે તેની ગેંગની કોઈ ભૂમિકા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સે ચોક્કસપણે ખુલાસો કર્યો છે કે, વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.
આ સિવાય પંજાબની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા વર્ચસ્વના યુદ્ધની વાર્તા પણ સામે આવી છે. પંજાબ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ગેંગસ્ટર્સ પોતાના પૈસા રોકે છે. ગેંગસ્ટર્સ નવા કલાકારોને ડેબ્યૂ કરાવીને તેમના આલ્બમ બનાવે છે અને બાદમાં પ્રોફિટમાં શેર કરે છે. આ કારણોસર ત્યાંથી ઉભરતા કલાકારો આ ગુંડાઓના સંપર્કમાં આવે છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સિવાય તિહારમાં બંધ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર શાહરૂખ ખાનની પણ સ્પેશિયલ સેલની ટીમે પૂછપરછ કરી હતી. શાહરૂખને સિદ્ધુ મૂસેવાલાને મારવાની સોપારી આપવામાં આવી હતી. આ ટોળકીએ પંજાબમાં રહીને સિદ્ધુ મુસેવાલાની શોધ પણ કરી હતી પરંતુ તે પ્લાનને અંજામ આપે તે પહેલા સ્પેશિયલ સેલ યુનિટે તેની પંજાબમાંથી ધરપકડ કરી હતી.
પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસે તિહાર જેલમાં પૂછપરછ કરી છે. ભગવાનપુરિયા વિરુદ્ધ હત્યાના 150 કેસ નોંધાયેલા છે. જગ્ગુ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે અને પંજાબના નેતાઓ સાથે તેના કનેક્શન પણ સામે આવે છે.