Satya Tv News

એશિયા કપ મેન્સ હોકીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત તાજ જાળવવામાં નિષ્ફળ રહ્યું હતુ. જોકે બિરેન્દ્ર લાકરાની આગેવાની હેઠળની ટીમે ૧-૦થી જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત અને જાપાન વચ્ચેની બ્રોન્ઝ મેડલ મેચમાં એકમાત્ર ગોલ સાતમી મિનિટે રાજ કુમાર પાલે નોંધાવ્યો હતો. જ્યારે જાપાની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહતી. સાઉથ કોરિયાએ ફાઈનલમાં ૨-૧થી મલેશિયાને હરાવીને રેકોર્ડ પાંચમી વખત એશિયા કપ જીત્યો હતો.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે બે-ત્રણ સિનિયર ખેલાડીઓની સાથે મોટાભાગના યુવા ખેલાડીઓને સ્પર્ધામાં ઉતાર્યા હતા. જેમણે બ્રોન્ઝ મેડલ મેચમાં લડાયક દેખાવ કરતાં ટીમને સફળતા અપાવી હતી. ભારતીય ગોલકિપર સુરજ કારકેેરાએ શાનદાર દેખાવ કરતાં જાપાનના આક્રમણને નિષ્ફળ બનાવ્યા હતા. મેચની સાતમી મિનિટે રાજ કુમાર પાલે ગોલ નોંધાવતા ટીમને સરસાઈ અપાવી હતી. જે આખરે વિજયી સાબિત થઈ હતી.

ભારતે ૧૯૯૯ બાદ આ બીજી વખત એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત આ છેલ્લા નવ વર્ષમાં પહેલી વખત ફાઈનલમાં પ્રવેશ ચૂક્યું હતુ. ૨૦૧૩માં રમાયેલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો સાઉથ કોરિયા સામે પરાજય થયો હતો. જ્યારે ૨૦૧૭માં રમાયેલી ફાઈનલમાં ભારતે મલેશિયાને હરાવીને ટાઈટલ જીત્યું હતુ.

જકાર્તામાં રમાયેલી ફાઈનલમાં સાઉથ કોરિયાને ૧૭મી મિનિટે જુંગ માન-જાઈએ સરસાઈ અપાવી હતી. જ્યારે મલેશિયાને ૨૫મી મિનિટે ચોલાને બરોબરી અપાવી હતી. આખરી ૮ મિનિટ બાકી હતી, ત્યારે હ્વાંગ ટાઈ-આઇલે ગોલ નોંધાવતા ટીમને ૨-૧થી સરસાઈ અપાવી હતી. જે નિર્ણાયક સાબિત થઈ હતી.

error: