હું નવી શરુઆત કરવા જઈ રહ્યો છું, આશા રાખું છું બધાનું સમર્થન મળતુ રહેશે : ગાંગુલી
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીએ રાજીનામું આપી દીધું હોવાની જોરદાર અટકળો સોશિયલ મીડિયામાં ચાલી હતી. આ અટકળોના મૂળમાં ગાંગુલીની ટ્વીટ હતી, જેમાં તેણે બધાનો આભાર માનતા લખ્યું હતુ કે, હું નવી શરૃઆત કરવા જઈ રહ્યો છું અને આશા રાખું છું કે, તેમાં બધાનું સમર્થન મળતું રહેશે. જોકે, વધી રહેલી ચર્ચા બાદ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી હતી કે, ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી.
ગાંગુલીએ ટ્વીટ કરી હતી કે, ૨૦૧૯માં ક્રિકેટમાં મારી સફરના પ્રારંભને ૨૦૨૨માં ૩૦ વર્ષ પુરા થયા છે. ત્યારથી અત્યાર સુધી ક્રિકેટે મને ઘણું બધુ આપ્યું છે. સૌથી મહત્વનું છે કે, તમારું સમર્થન મને મળ્યું છે. મારી આ સફરના સાથી, મને સમર્થન પુરુ પાડનારા અને મને અહીં સુધી પહોંચવામાં મદદ કરનારા તમામનો હું આભાર માનું છું.
તેણે ઊમેર્યું કે, આજે હું નવી શરૃઆત કરવા જઈ રહ્યો છું. જે મને લાગે છે કે, ઘણા બધા લોકોને મદદરુપ થશે. હું આશા રાખું છું કે, જ્યારે હું મારી જીંદગીના નવા પ્રકરણને શરૃ કરવા જઈ રહ્યો છું, ત્યારે તમારું સતત સમર્થન મને મળતું રહેશે. ગાંગુલી વર્ષ ૨૦૧૯ના ઓક્ટોબરમાં બીસીસીઆઇના પ્રમુખ તરીકે ચૂંટાયો હતો અને તેની ત્રણ વર્ષની ટર્મને હજુ ચાર મહિનાની વાર છે. જોકે તેની આ ટ્વીટ બાદ ચર્ચાનો દૌર શરૃ થયો હતો.
સોશિયલ મીડિયામાં ચાહકો તો માનવા જ લાગ્યા હતા કે, ગાંગુલીએ બીસીસીઆઇના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું. જોકે આ અંગે બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, સૌરવ ગાગુલીએ બીસીસીઆઇના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે, તેવી ચર્ચા પાયાવિહોણી છે. નોંધપાત્ર છે કે, ગાંગુલી તેના આગામી પ્રોજેક્ટને સંદર્ભે આ ટ્વીટ કરી હતી.