ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
આ વખતે સુબીર,છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.
અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા રિઝલ્ટ છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે.રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થીઓ, B2માં 4876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.
સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ સાફા પહેરી ગરબા કર્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે કોરોના લોકડાઉન બાદ પ્રથમવાર પરિણામ જાહેર થયું છે. જેમાં અમને સારી એવી સફળતા મળી છે તેથી અમે આ પરિણામને વધાવતાં ગરબા કર્યા છે
વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે.વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.