Satya Tv News

200 લાભાર્થીઓને રૂ.6.73કરોડની વિવિધ ધિરાણ સહાયના લાભો પૂરા પડાયાં

કેન્દ્રિય મંત્રી કારડની ઘોષણા : ફાઇનાન્સિયલ લીટરસી માટે જિલ્લાને મોબાઇલ વાન ફાળવાશે

રાજપીપલાખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે લીડ બેન્ક દ્વારા આયોજિત “ધિરાણ સુગમતા” કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

જેમાં કેન્દ્રિય નાણાં વિભાગના રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કારડ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી,સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓની ઉપસ્થિતરહ્યા હતા

કેન્દ્રિય નાણાં રાજ્ય મંત્રી ડો. ભાગવત કારડે તેમના પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના પ્રત્યેક જિલ્લામાં કેન્દ્રના નાણાં વિભાગ દ્વારા ધિરાણ સુગમતા કાર્યક્રમનું ઘનિષ્ઠ આયોજન કરાયું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં યોજાયેલા આજના કાર્યક્રમમાં ૨૦૦ લાભાર્થીઓને રૂ.૬.૭૩ કરોડની વિવિધ ધિરાણ સહાયના લાભો પૂરા પડાયાં છે. વડાપ્રધાનના નેતૃત્વમાં બેન્કોનો અભિગમ પ્રજા-લાભાર્થીઓ સાથે ફ્રેન્ડલી રહ્યો છે. ત્યારે લાભાર્થીઓને પણ બેન્કિંગ સહાયનો મહત્તમ લાભ લઈ ધિરાણની નિયમિત વસુલાત સાથે બેન્કોને વધુ મજબૂત બનાવવા તેમને ખાસ અનુરોધ કર્યો હતો.

કેન્દ્રિય નાણાં રાજ્ય મંત્રી કારડે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ બાદ અમલી જનધન યોજના હેઠળ દેશમાં ઝીરો બેલેન્સથી ૪૫.૨૦ કરોડ લોકોના સામે ચાલીને બેન્કના ખાતા ખોલવામાં આવ્યા છે. સમાજના ગરીબ અને પછાત લોકોનો ઉત્કર્ષ સાધીને તેમને આત્મનિર્ભર બનાવવા માટેના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્રિય અનેકવિધ યોજનાના અમલીકરણમાં દેશની બેન્કોનું યોગદાન મહત્વનું હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

દેશના ૧૧૨ જેટલા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સાંસદ મનસુખભાઈ વસાવાના સહયોગ-સંકલનમાં રહીને નાબાર્ડ દ્વારા ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવાની પણ કેન્દ્રિય મંત્રી કારડે ઘોષણા કરી હતી. નર્મદા જિલ્લાના વિકાસમાં નાબાર્ડ બેન્કનો મહત્તમ સહયોગ પૂરો પાડવાની તત્પરતા પણ તેમણે દર્શાવી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝન સંદર્ભે જરૂરી સાક્ષરતા સાથે લોકોમાં સમજ કેળવાય તે માટેના લોક જાગૃતિના કાર્યક્રમો માટે નાબાર્ડ દ્વારા મોબાઈલ વાન ફાળવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી પ્રજાજનોમાં એક અનેરો ઉત્સાહ અને જાગૃતિ કેળવાઈ રહી છે, પ્રધાનમંત્રીના આત્મનિર્ભર બારતના સંકલ્પને સિદ્ધ કરવા બેન્કો મારફત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ધિરાણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે સરકારના પ્રયાસોની સાથોસાથ લાભાર્થીઓએ પણ જાતે જ જરૂરી સમજદારી કેળવી પોતાના ઉત્થાન માટે કટિબદ્ધ થાય તે પણ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું .

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી કરાડ સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય ધિરાણ સહાયના લાભોના ચેક અને મંજૂરીપત્રો એનાયત કરાયાં હતાં.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: