સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક દુકાનની આગે બીજુની દુકાનને પણ ઝપેટમાં લીધી હતી ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ટેક્સટાઈલ માર્કેટની દુકાનો ખોલવાના સમયે જ દુકાનમાં આગના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે રોડ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો હતો.
સુરતના રિંગરોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેક્સટાઈલ માર્કેટો આવેલી છે. અન્નપૂર્ણા માર્કેટના પાંચમા માળે આવેલી 547 નંબરની દુકાનમાં એકાએક આગ લાગવાની શરૂ થઈ હતી. દુકાનમાંથી પહેલા ધુમાડો નીકળવાનો શરુ થયો અને ત્યારબાદ દુકાનમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. માર્કેટ ખોલવાના સમયે જ આગ લાગવાને કારણે ડરનો માહોલ જોવા મળ્યો હતો. દુકાન નંબર 547 અને ત્યારબાદ તેની બાજુની દુકાનમાં પણ આગ લાગવાની શરૂ થઈ હતી.
રિંગરોડ વિસ્તારની અંદર આગ લાગવાનો કોલ મળતાની સાથે સુરત શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. વધુ પડતો ધુમાડો નીકળતો હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ પર કાબૂ મેળવવામાં થોડી મુશ્કેલી પડી હતી. દુકાનમાં સાડીનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ લાગતાની સાથે ધુમાડો પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
દુકાનમાં લાગેલી આગમાં ધુમાડો વધુ નીકળતો હોવાથી સીધી રીતે ફાયર વિભાગના જવાનો અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હતી. આખરે ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેતા અન્ય દુકાનોમાં આગ પ્રસરી ન હતી. રિંગરોડ વિસ્તારમાં જ્યારે પણ ફાયરનો કોલ મળે છે ત્યારે ખૂબ જ ગંભીરતાથી ફાયર વિભાગની ગાડીઓ પહોંચી જતી હોય છે. કારણ કે વધુ પડતા કાપડના જથ્થાને કારણે આગ ગણતરીની મિનિટોમાં જ વિરાટ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આગ લાગવા પાછળનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી.