ઉત્તરપ્રદેશના લખનઉમાં થયેલા PUBG હત્યાકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. માતા સાધના સિંહની હત્યા પાછળ PUBG ગેમ કારણભૂત નહોતી. આ થિયરી પોલીસે બનાવેલી છે. તેનો પુત્ર એક બિલ્ડરના ઘરમાં અવરજવરથી પરેશાન હતો. તેણે આસનસોલમાં આર્મીમાં ફરજ બજાવી રહેલા પિતાને માતાની બિલ્ડર સાથેની દોસ્તી વિશે જાણ પણ કરી હતી.
એ સમયે પિતાએ કહ્યું હતું કે તે કદાચ હું હોત તો બિલ્ડર અને તારી માતા બંનેને ગોળી મારી દેત. હવે તને જે સમજાય એ કર. પિતાએ કરેલા ઈશારા પછીથી પુત્રએ માતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન ઘરમાં બિલ્ડરની અવરજવર ચાલુ જ રહી હતી. 4 જૂનની રાતે 16 વર્ષના પુત્રએ તેની માતાને ગોળી મારી દીધી હતી.
સાધનાના મર્ડર પછી બિલ્ડર સામે કોઈ જ કાયદાકીય પગલા ન લેવાય એ માટે પોલીસે PUBGની થિયર રચી હતી. જોકે જુવેનાઈલ હોમમાં પુત્રને મળીને આવેલા એક સંબંધીએ આ આખી વાત કહી હતી.
આ હત્યાકાંડની સ્ટ્રેટેજી બનવાની શરૂઆત એક વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે આરોપી પુત્ર તેના મામાના ઘર બનારસથી લખનઉ પરત આવ્યો હતો. તેણે માતા સાધનાના મોબાઈલમાંથી કેટલાંક રેકોર્ડિંગ સાભળ્યા હતા. તેની માતા કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. છોકરાને અંદાજ આવી ગયો કે પિતાનું બહાર પોસ્ટિંગ થવાને કારણે મા કોઈ બીજી વ્યક્તિની નજીક આવી ગઈ છે.
એક પુત્ર માટે આ વાતને ગળે ઉતારવી થોડી મુશ્કેલ હતી. તેણે આસનસોલમાં તહેનત પિતા નવીનને ફોન કરીને આ વાત જણાવી હતી. એક રેકોર્ડિંગ પણ પુત્રએ પુરાવા તરીકે પિતાને મોકલ્યું હતું. એ ઘટના હતી, જ્યાંથી પિતા અને માતા વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ હતી. પિતા નવીને પૂછેલા સવાલોના જવાબ માતા સાધના આપી શકી નહોતી.
ખાનગી જિંદગીમાં પુત્રની દખલ અને એને કારણે પતિ સાથેના ઝઘડા સાધનાને પસંદ નહોતા. તે પુત્રને ઘરમાં નોકરની જેમ રાખવા લાગી હતી. કચરા-પોતાથી લઈને કપડાં ધોવા સુધીનો ભાર તે પુત્ર પર નાખવા લાગી. પુત્ર આ બધું સહન કરતો હતો, કારણ કે પિતા નવીનનું પોસ્ટિંગ ઘણું દૂર આસનસોલમાં હતું. માતાની આ હરકતથી પુત્રને માતા માટે નફરત થવા લાગી હતી. પુત્ર આ બધી વાતો તેના પિતાને ફોન કરીને કહેતો હતો.
સાધનાની હત્યા કરવાને લઈને પિતા-પુત્ર પ્લાનિંગ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ઓક્ટોબરમાં પુત્રનો બર્થડે ગયો હતો. આ દિવસે બિલ્ડર મોટી ગિફ્ટ લઈને આવ્યો હતો. આ વધુ એક પ્રસંગ હતો, જ્યારે નવીન અને તેના પુત્રને શક પાક્કો થયો હતો. એ રાતે નવીનનો સાધના સાથે ઝઘડો થયો હતો. આ એ ઘટનાક્રમ હતો, જ્યારે પિતા અને પુત્રના મગજમાં માતાની હત્યાકાંડનું ષડયંત્ર રચવાની શરૂઆત થઈ હતી.
મુલાકાત કરવા પહોંચેલા સંબંધીએ જ્યારે પુત્રને પૂછ્યું કે તું પિસ્તોલ ચલાવવાનું કઈ રીતે શીખ્યો તો તેણે જવાબ આપ્યો કે થોડાં વર્ષો પહેલાં પિતાનું પોસ્ટિંગ રાજસ્થાનમાં હતું. ત્યારે બધા ત્યાં જ રહેતા હતા. અમારા ક્વાર્ટર પાસે જ ફાયરિંગ રેન્જ હતી. રોજ રિહર્સલ થતું હતું. હું જવાનોને ગોળી ચલાવતા જોતો હતો. જ્યારે અમે લખનઉ આવ્યા ત્યારે પપ્પાએ પિસ્તોલ ચલાવતા શીખવ્યું હતું.
પુત્રએ કહ્યું હતું કે 3 જૂને મારી માતાએ મને ખૂબ જ માર્યો હતો. મેં પપ્પાને ફોન કરીને જણાવ્યું હતું. એ દિવસે જ મેં વિચારી લીધું હતું કે હવે માતા જીવતી રહેવી જોઈએ નહિ. મેં પપ્પાને આ બધું જણાવ્યું હતું. તેમણે કંઈ જ ન કરવા માટે કહ્યું હતું. મેં 4 જૂનની સાંજ સુધી તેમની રાહ જોઈ હતી. સાંજે પપ્પાનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે ટ્રેનની ટિકિટ મળી નથી. એ જ રાતે મેં માતાને માથામાં ગોળી મારી દીધી હતી