એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. જ્યારે બીજી બાજુ એક દીકરીએ છેડતીના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓની સલામતી જોખમાઇ રહી છે. કારણ કે બનાસકાંઠામાં 10 દિવસ અગાઉ ભાભરની ભાજપ નેતાની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. ત્યારે ધોરણ-11ની વિદ્યાર્થિનીના આપઘાતનો આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે વિદ્યાર્થિનીના મોતના 10 દિવસ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે, સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે ફરિયાદ લીધી.
તમને જણાવી દઇએ કે, 10 દિવસ અગાઉ બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીએ જૂન-2021માં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે છેડતીનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ વિદ્યાર્થિની સતત તણાવમાં રહેતી હતી. તેમ છતાં પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ ન હોતી કરી. આ મામલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિતાના સગાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવ્યો છે. આ મામલે દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’
શું ભાજપના નેતાની સ્કૂલ હોવાથી પોલીસે ફરિયાદ નથી લીધી?
એવું કહેવાઇ રહ્યું છે કે, આ સ્કૂલ એક ભાજપ નેતાની છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે, શું ભાજપના નેતાની સ્કૂલ હોય તો ફરિયાદ નહીં લેવાની. ભાજપના નેતાની સ્કૂલ હોય અને એ સ્કૂલમાં આ પ્રકારની જો ઘટના થાય તો શું આરોપીઓને નહીં પકડવાના? શું તેમની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની? મહત્વનું છે કે, ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા કે અન્ય કોઇ પણ પક્ષના નેતા હોય પરંતુ આવી ઘટનામાં પોલીસની એ જવાબદારી બને છે કે, આરોપીને સજા કરવાની. એક દીકરી જ્યારે સુસાઇડ નોટમાં નામ લખીને જાય છે છતાં તંત્ર ધ્યાન નથી આપતું. દીકરી એટલે સુધી સુસાઇડ નોટમાં જણાવે છે કે, જો તમે પગલાં નહીં લો તો હું સુસાઇડ કરી લઇશ. અંતે આ દીકરી સુસાઇડ પણ કરી લે છે. ત્યારે અહીં કેટલાંક સળગતા સવાલો ઊભા થાય છે.
દીકરીએ સુસાઇડ નોટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘રાધે માં મુ ભણવા જતી ગતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી મું ડરતી હતી…..’