ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરાવ્યો છે. આ અંગેનો કેસ વિશેષ કોર્ટેમાં ચાલી જતા અદાલતે તમામ પૂરાવા અને દલીલોને ધ્યાને લઇને સાબરમતી ટ્રેન હત્યાકાંડના મુખ્ય આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારી છે. ગોધરામાં વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પોલીસ પકડથી દૂર રહેવા માટે મજૂર, ફેરિયો બનીને ફરતો હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ઘટનાના 19 વર્ષ બાદ પંચમહાલ પોલીસે રફીકને દબોચી લિધો હતો.
પોલીસ ફરિયાદમાં આરોપી રફીક હુસેન ભટુકને સાબરમતી ટ્રેનના કોર ગ્રુપના સભ્ય તરીકે દર્શાવાયો હતો.ગોધરા ટ્રેન હત્યાકાંડમાં નામ ખૂલ્યા બાદ આરોપી રફીક હુસેન ભટુક દિલ્હી સહિતના શહેરોમાં નાસતો ફરતો હતો. આ દરમિયાન આશરે એક વર્ષ અગાઉ આરોપી ગોધરા આવ્યો હોવાની પોલીસને જાણ થઇ હતી. વર્ષે અગાઉ સિગ્નલ ફળિયામાં છુપાઈને રહેતો હોવાથી ગોધરા એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી આરોપી ભટુકને ઉઠાવી લીધો હતો.
27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને આગ ચાંપવામાં આવી હતી. આ કાંડમાં 59 કાર સેવકોના મોત નીપજયા હતા. આ પ્રકરણમાં તપાસ માટે સીટની રચના કરાઈ હતી. સીટની રચના બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના ઘટી ન હતી પણ આગ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ 125 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપી રફીક હુસેન ભટુક 33 વર્ષનો હતો ત્યારે વર્ષ 2002માં ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવામાં સંડોવાયેલો હતો. ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ગોધરા રેલવે સ્ટેશન પર જે તે સમયે ફેરિયા તરીકે કામ કરતો હતો.