Satya Tv News

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કોલકાતાના કાલીઘાટ સ્થિત આવાસ પર શનિવારે રાત્રે એક વ્યક્તિ દીવાલ પાર કરીને તેમના પરિસરમાં ઘૂસ્યા બાદ સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચ્યો હતો. યુવાન આખી રાતે સીએમ આવાસમાં જ રહ્યો હતો જોકે તે કયા કારણોસર ઘુસ્યો હતો તેને લઈને પોલીસે તપાસ શરુ કરી છે. 

સીએમ આવાસમાં યુવાન ઘુસી જતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી અને સવારે તેને શોધી કાઢનારા પોલીસ કર્મચારીઓએ તેને પકડી પાડ્યો હતો. મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓએ આ વ્યક્તિની અટકાયત કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ વ્યક્તિ ઝેડ-કેટેગરીના સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે પ્રવેશી શક્યો. જો કે, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે ગુનેગાર કાં તો ચોર છે અથવા તો માનસિક રીતે બીમાર હોવાનું જણાય છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી થોડે દૂર ડબલ મર્ડરની ઘટના બની હતી, જેના કારણે આ વિસ્તારમાં સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા હતા. ઉદ્યોગપતિ અશોક શાહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેની પત્ની રશ્મિતા શાહને ગોળી વાગી હતી. પાછળથી જાણવા મળ્યું હતું કે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન નજીક અનેક સીસીટીવી કેમેરા બંધ થઈ ગયા હતા. ભવાનીપોરને “શાંતિપૂર્ણ” વિસ્તાર ગણાવતાં મમતા બેનરજીએ ત્યારે આરોપ લગાવ્યો હતો કે કેટલાક બાહ્ય પરિબળો આ વિસ્તારમાં ઉપદ્રવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે ખાતરી આપી હતી કે મુશ્કેલી સર્જનારાઓ સાથે કામ પાર પાડવા માટે કડક પગલાં લેવામાં આવશે.

error: