તેલંગાણામાં એક તરફ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ અને નરેન્દ્ર મોદીથી ખફા થયેલા તેલંગાણાના સીએમ કેસીઆર રાવ એક પછી એક આગ ઝરતા નિવેદનો આપી રહ્યા છે.
આજે તેમણે કહ્યુ હતુ કે,અમારી પાસે રાજ્યમાં 104 ધારાસભ્યો છે અને છતા ભાજપ કહે છે કે ,મહારાષ્ટ્રની જેમ તેલંગાણામાં સરકાર ઉથલાવી દઈશું.હું પડકાર ફેંકુ છું કે, એક વખત આવો પ્રયત્ન ભાજપ કરી જુએ, અમે દિલ્હીની સરકાર પાડી દઈશું.
કેસીઆર રાવે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ લોકશાહીને દાવ પર લગાડીને સાત રાજ્યોમાં સરકાર ગબડાવી દીધી છે.નરેન્દ્ર મોદી પહેલા 14 પીએમ થયા છે પણ કોઈએ દેશને આટલુ નુકસાન પહોંચાડ્યુ નથી.નરેન્દ્ર મોદી પીએમ નથી પણ પોતાના વેપારી દોસ્તના સેલ્સમેન બનીને રહી ગયા છે.તેમણે પોતાના વેપારી દોસ્તને શ્રીલંકામાં વેપાર કરવાનો મોકો આપવા માટે શું શું કર્યુ તે પણ જણાવવુ જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે.તેઓ કાળુ ધન પાછુ લાવવાની વાત કરતા હતા.ઉલટાનુ વિદેશોમાંકાળુ ધન બમણું થઈ ગયુ છે.લોકોને પંદર લાખ આપવાની વાત કરતા હતા પણ પંદર પૈસા આપ્યા નથી.પીએમ મોદીની ખોટી નીતિઓના કારણે કંપનીઓ દેશ છોડીને જતી રહી છે.રુપિયો ગગડી રહ્યો છે .સત્તા પર આવતા પહેલા તો તેઓ મનમોહન સરકારના શાસનમાં ગળુ ફાડીને રુપિયો ગગડી રહ્યો છે તેમ કહેતા હતા , હવે તેમણે કહેવુ જોઈએ કે, ડોલર સામે રુપિયો કેમ આટલો નીચે ગયો છે.કોરોના દરમિયાન પીએમ મોદી ફેલ ગયા હતા.તેમણે અચાનક લોક ડાઉન જાહેર કરીને કરોડો લોકોને મુસિબતમાં મુકી દીધા હતા.