રૂબિના દિલાયક અને અભિનવ શુક્લા એ નેશનલ ટીવી પર પોતાના રિલેશન અને પોતાના લગ્નની સમસ્યાઓને લઈને બધા સામે ખુલીને વાત કરી હતી. તેમણે પોતાના લગ્નને છેલ્લી તક આપવા માટે બિગબોસનો સહારો લીધો હતો અને ત્યાંથી પોતાના રિલેશનને એક નવો વળાંક આપ્યો હતો. આ શોમાં બંનેને એકબીજાના પ્રેમનો અહેસાસ પણ થયો હતો. સોશિયલ મીડિયા પર રૂબિના અને અભિનવ બંને એક્ટિવ રહે છે. તાજેતરમાં જ રૂબીનાએ પોતાનો ગુસ્સો એવા લોકો પર કાઢ્યો હતો જેઓ અભિનવ અને તેને તેમના રિલેશનશિપ માટે ટાર્ગેટ કરે છે.
રૂબિના દિલાયક હાલના દિવસોમાં ખતરો કે ખેલાડીમાં સ્ટંટ કરતી નજર આવી રહી છે. શોના પહેલા દિવસે જ તેમણે સ્ટંટ કરીને લોકોને બતાવી દીધું કે, તે અહીં પણ કોઈનાથી કમ નથી. તાજેતરમાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં ટ્રોલ્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તે હવે કોઈપણ કિંમતે અભિનવનું અપમાન સહન કરી શકશે નહીં અને હવે જે પણ આવું કરશે તેણે તેમનો ‘ક્રોધ અને ગુસ્સો’ બંનેનો સામનો કરવો પડશે.આગળ રૂબિના દિલાયકે યાદ કર્યું કે, કેવી રીતે લોકોએ તેમના અને અભિનવ વચ્ચેની દરારને મોટી કરવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે તેઓ બિગબોસ હતા.
તેમણે જણાવ્યું કે, હું ખૂબ જ સાવધાન હતી અને જો હું નેશનલ ટીવી પર પોતાના સબંધ વિશે જણાવી રહી છું તો મને એ ખબર હતી કે, લોકો મારી ટિકા કરશે, પોતાના નિર્ણયો મારા પર થોપશે. હું એ પણ જાણતી હતી કે, માત્ર પરિવાર અને મિત્રો સિવાય દરેક લોકો સમજે એ જરૂરી નથી. એક્ટ્રેસે આગળ કહ્યું કે, આ દરમિયાન લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું અને વાતો બનવાની શરૂ થઈ ગઈ હતી. રૂબિનાએ કહ્યું કે, પછી મેં નક્કી કર્યું કે આ અમારો અંગત મામલો છે અને મેં નેશનલ ટીવી પર તેના વિશે બોલવાની જવાબદારી લીધી હતી.તેણે વધુમાં કહ્યું કે, હું એ સહન કરીશ નહીં કે કોઈ મારા પતિનું અપમાન કરે અથવા તેમના વિશે કંઈ પણ બોલે.