કળિયુગ ચરમસીમા પર હોય તેમ બાળકીઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં ઘોર કળિયુગની માફક હચમચાવી નાખતી વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં રાજકોટના શાપરમાં રહેતી ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શાપરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એરિયામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 4 વર્ષની બાળકી પોતાના ઘરે હતી આ દરમિયાન આરોપી સગીર ટીવી જોવાના બહાને બાળકીને કારખાનાની ઓરડીમા લઈ ગયો હતો. જ્યા કારખાનાની ઓરડીમાં આરોપીએ કુકર્મ આચર્યુ હતું. ફરિયાદમાં આરોપી પણ સગીર હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઇ હતી જ્યાં ફરિયાદ બાદ પોલીસે સગીર આરોપીને દબોચી લીધો હતો. પોલીસે સગીરની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. દિવસેને દિવસે વધી રહેલી આવી લાંછનરૂપી ઘટનાને લઈને વાલીઓમાં ચિંતા જન્મી છે.
તાજેતરમાં જ રાજકોટના શાપર ખાતે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં બાળકીના માસીયાઈ ભાઈએ જ હેવાનીયત આદરી ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું. શાપરના ઈન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે રહેતા પરપ્રાંતિય પરિવારના એક મજૂરે બાળકીને હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ બાળકીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પાંચ દિવસના ટૂંકાગાળામાં જ ફરી બાળકી પર આવી ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.