મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનું પરિણામ આજે ફ્લોર ટેસ્ટના રૂપમાં આવશે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજ્યના રાજકારણમાં મેરેથોન બેઠકો યોજાઈ હતી. CM એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારે પણ મહત્વની બેઠક યોજી છે. ફ્લોર ટેસ્ટની વાત કરીએ તો રાજ્યના દરેક મોટા રાજકીય જૂથો પોતાના સ્તરે રણનીતિ નક્કી કરવામાં વ્યસ્ત છે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉદ્ધવ જૂથમાં વધુ એક ધારાસભ્ય બળવાખોર થયા છે. પહેલા લગભગ 39 ધારાસભ્યો મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં જતાં રહ્યા છે.
એકનાથ શિંદે-ભાજપ સરકારના નિર્ણાયક વિશ્વાસ મતના એક દિવસ પહેલા, ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો આંચકો લાગ્યો હતો. રવિવારે રાત્રે મહારાષ્ટ્ર વિધાનસભાના નવનિયુક્ત સ્પીકરે શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીને વિધાનસભા પક્ષના નેતાના પદ પરથી હટાવી દીધા હતા. સ્પીકર રાહુલ નાર્વેકરના કાર્યાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં શિંદેને સેનાના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પુનઃસ્થાપિત કર્યા અને ઠાકરે જૂથના સુનીલ પ્રભુના સ્થાને શિંદે કેમ્પમાંથી ભરત ગોગાવાલેને શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા.