બ્રિજ ના કામ ની ગુણવત્તા પર સવાલો ઉભા થયા
તકલાદી કામોનું ઉદ્દઘાટન કરનાર મંત્રીઓની શાખ દાવ પર
ભરૂચ – જંબુસર માર્ગ ઉપર સમની નજીક રેલ્વે ટ્રેક પર બનેલ નવિન ઓવર બ્રિજ માં માત્ર ૧૦ જ દિવસમાં ગાબડા પડતા લોકોમાં અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા છે.તો બીજી તરફ કામની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થતા તંત્ર જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી લોકલાગણી પ્રસરી જવા પામી છે.આવા તકલાદી કામો કરનાર કામનું ઉદ્દઘાટન કરનારા મંત્રીઓની શાખ ને પણ બટ્ટો લગાવી રહ્યા છે.નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ પર ગાબડા ને પગલે બ્રિજ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો હાલાકી નો ભોગ બની રહયા છે.
વિશ્વ ની હરોળ માં પહોંચવા માટે આપણે ચોતરફો વિકાસ કરવો જરૂરી છે.તમામ ક્ષેત્રમાં આપણે આગળ હોઈશું તોજ નવી ક્ષિતિજ ને આંબી શકીશું.નવીનીકરણ થેયલ કામોનું અને નવનિર્માણ થનારા કામોનું ઉદ્ઘઘાટન અને ખાત મુર્હુત સરકારની ઉપલબ્ધી ના ભાગરૂપે થાય તે સારી બાબત છે.પરંતુ નવીનીકરણ થયેલ કામો ધારા ધોરણ મુજબ થયા છે કે કેમ તે ઉદ્દઘાટન કરનારા મંત્રી મહોદયે ચકાસણી કરવી જોઈએ. હાલમાં જ ૧૦ દિવસ પહેલા માર્ગ અને મકાન,વાહનવહાર, નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ ના મંત્રી પૂર્ણશ મોદી ના હસ્તે વાગરા એ.પી.એમ.સી. ખાતે થી કરોડો ના ખર્ચે બનેલ રસ્તાઓ અને ઓવર બ્રિજ નું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યુ હતુ.અને સરકાર ની ઉપલબ્ધીઓ ના જોરશોર થી ગુણગાન ગાવામાં આવ્યા હતા.જો કે સમની રેલવે ઓવર બ્રિજ નો પણ તે જ દિવસે લોકાર્પણ કરાયુ હતુ.સમની ઓવર બ્રિજ ના છેડે જ્યાં ઉદ્દઘાટક ના નામની તકતી લગાવવામાં આવી છે ત્યાંજ ખાડા પડતા જાણે કામ કરનાર સંબંધિત એજન્સીએ માર્ગ મકાન મંત્રી ને ખાડા ની ભેટ ધરી હોય તેવું ચિત્ર ઊભું થવા પામ્યું છે.સરકારી તંત્ર ની સીધી દેખરેખ હેઠળ બનેલ બ્રિજ ને ખુલ્લો મુકાયા ના એક સપ્તાહ માં જ ખાડા નજરે પડતા કામની ગુણવત્તા ને લઇ ને અનેક તર્ક વિતર્કો થયા વિના રહેતા નથી.વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે પડેલ ગાબડા નું સમારકામ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.સાથે જ તકલાદી કામકરનાર સામે અસરકારક પગલાં લેવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.આવા તકલાદી કામો ને પગલે ઉદ્દઘાટન કરનારા મંત્રીઓની ઈજ્જત પણ દાવ પર લાગી જતી હોય છે.ત્યારે નવનિર્મિત બ્રિજ ના ખાડા ક્યારે પુરાય છે એ જોવુ રહ્યુ
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા