15 પૂર્વ જજ સહિત 117 રિટાયર્ડ અધિકારીઓનો ચીફ જસ્ટિસને ઓપન લેટર
કહ્યું નુપુર શર્મા મામલે સુપ્રીમ કોર્ટે પાર કરી દીધી લક્ષ્મણરેખા
સુપ્રીમના જજ સુર્યકાંત અને પારડીવાલાએ નુપુર શર્માની ઝાટકણી કાઢી હતી
ભાજપમાંથી બરખાસ્ત પ્રવક્તા નૂપુર શર્મા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમના જસ્ટિસ સુર્યકાંત અને પારડીવાલાએ નુપુર શર્માને દેશની માફી માગવાનું જણાવ્યું હતું અને તેમની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશમાં જે પણ થઈ રહ્યું છે તેની સીધી જવાબદાર નુપુર શર્મા છે.
હવે 117 લોકો સુપ્રીમની ટીપ્પણીની સામે મેદાને પડ્યાં છે. સુપ્રીમની સુનાવણીની ટીકા કરતા 15 પૂર્વ જજ સહિત 117 રિટાયર્ડ અધિકારીઓએ એક ઓપન લેટર લખીને કહ્યું કે સુપ્રીમ કોર્ટે લક્ષ્મણરેખા પાર કરી દીધી છે. પૂર્વ ન્યાયાધીશો અને અમલદારોએ મંગળવારે કહ્યું હતું કે કોર્ટે “લક્ષ્મણ રેખા” પાર કરી દીધી છે. સાથે જ તેમણે કોર્ટ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં તાત્કાલિક સુધારો કરવાની માગણી કરી છે. આ માટે તેમણે મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે.
117 લોકોની સહીવાળા પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, “સુપ્રીમ કોર્ટના બે જજ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીએ લક્ષ્મણ રેખા પાર કરી છે અને અમને એક ખુલ્લો પત્ર લખવાની ફરજ પાડી છે. જે દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી છે તે ભારતની ન્યાયપ્રણાલી પર અમિટ ડાઘ જેવી છે. દેશની અનેક હસ્તીઓ વતી લખવામાં આવેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયતંત્રના ઇતિહાસમાં આવી કમનસીબ ટિપ્પણીનો બીજો કોઈ દાખલો નથી. એટલું જ નહીં આ અંગે તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવામાં આવે તેવી માગણી પત્રમાં કરવામાં આવી છે. તેનાથી લોકતાંત્રિક મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે.
સુપ્રીમ કોર્ટના જજોના અવલોકનો પર જે પૂર્વ જજોએ ખુલ્લો પત્ર લખ્યો છે તેમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એસ એમ સોની, રાજસ્થાન હાઈકોર્ટના જજ આર એસ રાઠોડ અને પ્રશાંત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ એસ એન ઢીંગરા પણ આ પત્ર લખનારા જજોમાંના એક છે. એટલું જ નહીં પૂર્વ આઈએએસ અધિકારી આર.એસ. ગોપાલન, એસ કૃષ્ણ કુમાર, નિરંજન દેસાઈ, પૂર્વ ડીજીપી એસ પી વૈદ્ય અને બી એલ વોહરા સામેલ છે. આ પત્ર પર 15 રિટાયર્ડ જજ, 77 રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સ અને 25 રિટાયર્ડ આર્મી ઓફિસર્સે હસ્તાક્ષર કર્યા છે.
1 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માના પૈગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન પર કહ્યું હતું કે શર્માના આ કૃત્યથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. તેઓએ દેશને જોખમમાં મૂક્યો. આ સિવાય કોર્ટે કહ્યું કે, દેશમાં જે થઈ રહ્યું છે તેની સંપૂર્ણ જવાબદારી નૂપુર શર્માની છે.
ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની સુનાવણીને લઈને જજોને સોશિયલ મીડિયા પર ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. આ કેસની સુનાવણી કરનાર બે જજોની બેન્ચમાંથી એક જેપી પારડીવાલાએ સોશિયલ મીડિયાના નિયમન પર ભાર મૂક્યો છે.