ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ એ CMને પત્ર લખ્યો છે. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું કે, ‘ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરી.
વધુમાં જણાવ્યું કે, ‘3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી OBC સમાજનું પ્રતિનિધિત્વ દૂર થશે.’ જણાવી દઇએ કે, OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચવા માંગ કરાઇ છે. OBC સમાજને અનામતનો લાભ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.