પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાના વાડીનાથમાં ભારે વરસાદને લીધે અંદાજે 12થી 13 ગાય અને ભેંસ કોતરમાં તણાઈ જતાં મૃત્યુ પામ્યા છે. ગોન્દ્રા સર્કલ નજીક મેસરી બ્રિજ અને ગોધરાથી સાંપા તથા વઘાજીપુરાથી નાડા રોડ પરના બે કોઝ-વે પર વાહનોની અવરજવર અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી છે. ગોધરામાં મેશરી નદી બે કાંઠે થતા કિનારા પરના લોકોનું સ્થળાંતર કરાયું હતું.ઘોઘંબા તાલુકામાં એકધારો વરસાદ વરસતાં વાડીનાથ ગામે પાણી ભરાતાં પશુપાલકે ઘર આંગણે બાંધી રાખેલા 50 પશુઓ બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા. પરંતુ ભારે વરસાદથી પાણી ભરાતાં 13 જેટલા પશુઓના મોત થયા હતા.જેથી પશુપાલકોમાં ચિંતાં વ્યાપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં રવિવારે ઘોઘંબા તાલુકામાં મોડી સાંજ સુધી એકધારા વરસાદથી તાલુકામાં 6 ઇચ વરસાદ વરસતાં નદી નાળા પાણીથી ભરાઇ ગયા હતા. કોઝવે પરથી પાણી પસાર થતાં અનેક લોકો ફસાયા હતા. ભારે વરસાદથી ઘોઘંબા કણબી પાલ્લીનો બ્રિજ પણ તૂટી ગયો હતો. ચારે તરફ પાણી પાણી થઈ જતાં ધનેશ્વર, રાયણમુવાડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં કેડ સુધી તેમજ ઘરો અને ગામોમાં પાણી ભરાતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા