ભોપાલ મધ્યપ્રદેશમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ લીના દીક્ષિતે દોષી તો ઠેરવ્યો પણ સજા માત્ર પાંચ વર્ષની જ આપી હતી. આ મામલાની નોંધ લઇને હાઇકોર્ટે લીના દીક્ષિત પાસેથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજનું પદ પરત લઇ લેવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો છે. જેને પગલે એક અપરાધીને ઓછી સજા કરવા અને બાદમાં ચુકાદામાં જ છેડછાડ કરવી ભારે પડી ગઇ હતી.
મધ્ય પ્રદેશના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં પતિ દ્વારા પત્નીની દહેજ માટે હત્યાનો મામલો આવ્યો હતો. પત્નીએ મરતા પહેલા બધી જ હકિકત પોલીસને જણાવી દીધી હતી. ઘટના સ્થળેથી કેરોસિન પણ મળી આવ્યું હતું. તપાસમાં સાબિત થયું કે પતિએ જ પત્નીને જીવતી સળગાવીને તેની હત્યા કરી નાખી હતી. એડીજે લીના દીક્ષિતે કેસની સુનાવણી કરી હતી અને પતિને ૩૦૨ની કલમ હેઠળ દોષી ઠેરવ્યો હતો. જોકે તેને માત્ર પાંચ જ વર્ષની જેલની સજા કરી હતી. જ્યારે સીઆરપીસીની કલમ ૩૦૨ હેઠળ દોષી ઠરેલા વ્યક્તિને ફાંસી અથવા આજીવન કેદની સજાની પણ જોગવાઇ છે.
અપરાધ આટલો ગંભીર હોવા છતા માત્ર પાંચ જ વર્ષની સજા અપાઇ હોવાથી તેની ભારે ચર્ચા જાગી હતી. જેને પગલે બાદમાં એડીજે લીના દીક્ષિતે પોતાના ચુકાદાની સમિક્ષા કરી હતી અને પોતાની જ રીતે ૩૦૨ની કલમ હટાવીને મામલો ૩૦૪એનો બનાવી દીધો હતો જેમાં મહત્તમ બે વર્ષની સજાની જ જોગવાઇ છે. જ્યારે દહેજ-હત્યાનો મામલો ૩૦૪બી અંતર્ગત આવતો હોય છે જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. જેને આજીવન કેદ સુધી પણ લંબાવી શકાય. સમગ્ર મામલો પ્રશાસકીય સમિતિ પાસે પહોંચ્યો હતો, સમિતિએ જજના પદેથી લીના દીક્ષિતને હટાવવાની ભલામણ કરી હતી જેને મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સ્વિકારી લીધી હતી. જેથી બાદમાં લીના દીક્ષિત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જેથી હવે લીના દીક્ષિતને જજનું પદ પરત આપવામાં નહીં આવે