બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
કિરણસિંહ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત હતા. તેમને પરિવારમાં બે સંતાન છે, જ્યારે ચાર વર્ષ અગાઉ જ તેમનાં પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ, બે સંતાનની જવાબદારી તેમના પર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાને માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ભારે શોકમય બની ગયો છે.