સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવા લોકો રીલ માટે કઈ પણ કરી રહ્યા છે. પરંતુ રાજકોટમાં એક મહિલાને રિલ બનાવવું ભારે પડ્યું છે. રાજકોટ શહેરમાં વધુ એક ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તૃપ્તિ સાવલિયા નામની મહિલાનો જાહેર રસ્તા પર રાત્રીના સમયે ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રીલ બનાવનાર મહિલા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. પતિ દિલીપ સાવલિયાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પતિના પરવાનાવાળી રિવોલ્વરથી અઢી મહિના અગાઉ તૃપ્તિએ રીલ બનાવી હતી. અને આ રીલ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. જેના વિરૂદ્ધ રાજકોટ પોલીસે કાર્યવાહી છે.
ઇન્સ્ટાગ્રામ પર ફાયરીંગની વાઇરલ થયેલી રીલમાં જોવા મળે છે કે, મહિલા રાત્રિના સમયે રોડ ઊભી છે. હવામાં પિસ્તોલ વડે ફાયરિંગ કરી રહી છે. પતીની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે બેથી અઢી મહિના અગાઉ જૂનો છે. રાત્રિના સમયે કાલાવડ રોડ ઉપર આવેલા વિરડા વાજડી ગામ તરફ નવા હાઇરાઇઝ બિલ્ડિંગ બને છે ત્યાં મહિલાએ પોતાના પતિના પરવાના વાળી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વીડિયો મહિલાના પતિ દિલીપ સાવલિયાએ જ બનાવ્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આઇપીસીની કલમ 363, 114, તથા આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ મહિલાના પતિ દિલીપ સાવલિયાની ધરપકડ પણ હાલ કરવામાં આવી છે. જ્યારે મહિલા તૃપ્તિ સાવલિયાની ધરપકડ કરવાની બાકી છે. હાલ પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલી રિવોલ્વર કબજે કરી છે.