મહારાજપુરા ગામમાં જિતેન્દ્ર વાલ્મિકી શુક્રવારે ઘરની બહાર નીકળ્યા ન હતા. આ જોતા પડોશીઓએ બારીમાંથી અંદર જોયું હતું. ઘરની અંદર જોતા જ હોશ ઉડી ગયા હતા. રૂમમાં જીતેન્દ્ર અને તેનો પુત્ર કુલદીપ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશી તો 32 વર્ષનો જીતેન્દ્ર, તેની પત્ની નિર્જળા, 4 વર્ષનો પુત્ર કુલદીપ અને દોઢ વર્ષની પુત્રી જાનવીની લાશ પડી હતી.
જીતેન્દ્રની પત્ની નિર્જલાની લાશ જમીન પર પડેલી હતી. તેના મો માંથી ફીણ નીકળતા હતા. દોઢ વર્ષની પુત્રી જાનવીની લાશ નિર્જલાની બાજુમાં હતી. જીતેન્દ્ર અને ચાર વર્ષના પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા. સ્થળ પર પહોંચેલા CSP રવિ સિંહ ભદૌરિયાએ કહ્યું કે સંભવત ગૃહ કંકાસના કારણે આખા ઘટનાક્રમ થયો છે. ગૃહ કંકાસના કારણે નિર્જલાએ પોતાની પુત્રીનું ગળું દબાવી દીધું હતું અને ઝેર ખાઇ લીધું હતું.
પત્નીની આત્મહત્યા જોઈને જીતેન્દ્રએ પુત્ર કુલદીપને ગળે ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઇ લીધો હતો. પીએમ રિપોર્ટ અને પરિવારના નિવેદનોના આધારે કેસની તસવીર સ્પષ્ટ બનશે. જીતેન્દ્રના નાના ભાઈ ધર્મેન્દ્રએ જણાવ્યું કે જીતેન્દ્ર એક સ્કૂલમાં કામ કરતો હતો. લગભગ 8 દિવસ પહેલા જ મહારાજપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો. ધર્મેન્દ્રએ જણાવ્યું કે પુત્રીની તબિયત ખરાબ રહેતી હતી. પરિવાર આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યો હતો. જોકે આ ઘટના પાછળ શું કારણ છે તે વિશે કોઇ જાણકારી નથી.