રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને જિલ્લાનાં 11 તાલુકાનાં 66 જેટલા ગામોમાં મળીને 748 પશુઓમાં સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ પૈકી 7 પશુઓનાં મોત નિપજતા માલધારી સમાજમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે રસીકરણ પુરજોશમાં ચાલતું હોવાનો અને જરૂર જણાય તેવા 30 હજારથી વધુ પશુઓને રસી અપાઈ ચુકી હોવાનું પશુપાલન અધિકારી ડો. કે. યુ. ખાનપરાએ જણાવ્યું છે. બીજીતરફ પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલનાં પ્રમુખ અમિત લવતુકા તેમની ટીમને સાથે લઈને રાજકોટ આવી પહોંચ્યા હતા. અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
રાજકોટ જિલ્લાનાં પશુપાલન અધિકારી ડો. કે. યુ. ખાનપરાએ કહ્યું હતું કે, જિલ્લાનાં પડધરી તાલુકામાં લમ્પી વાયરસનું સંક્રમણ વધુ છે. તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં જરૂર જણાય તેવા પશુઓમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને અત્યાર સુધી 30,129 પશુઓને રસી અપાઈ ચુકી છે. જો કે રસીની અસર શરૂ થતાં સામાન્ય રીતે પખવાડિયાથી વધુ સમય લાગતો હોય છે. જેને લઈને રસીકરણની સારી અસરો આગામી દસેક દિવસ બાદ જોવા મળશે. જિલ્લામાં અત્યાર સુધી 7 પશુઓનાં મોત નિપજ્યા છે.
જિલ્લામાં કુલ 49 ટીમો હાલમાં વેકસીનેશનની કામગીરી કરી રહી છે. સાથે જ 1962 ઇમરજન્સી સેવા અંતર્ગત તાલુકા દીઠ એક શહેરમાં 2 ટીમો કાર્યરત કરવામાં આવી છે. જે ગામમાં પશુઓનાં મોત થયા છે. તેમાં દડવી, રાજપરા, વાડધરી, સાલ પીપળીયા, ધોકળિયા અને કેરાળા ગામનો સમાવેશ થતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું