તમિલનાડુમાં એક સ્કૂલની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને શંકા છે કે, આ આત્મહત્યાનો મામલો છે. જોકે અત્યાર સુધીમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, 11માં ધોરણની એક વિદ્યાર્થીનીએ ગઈકાલે શિવકાશીમાં પોતાના ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. યુવતી પોતાના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી.
તમને જણાવી દઈએ કે, બે અઠવાડિયામાં વિદ્યાર્થીના મોતનો આ ચોથો મામલો છે. રાજ્યમાં છેલ્લા બે સપ્તાહમાં ધોરણ 12ની ત્રણ અને હવે ધોરણ 11ની એક છોકરીના મોત થયા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ત્રણના મોત થયા છે.
વારંવાર થતા મૃત્યુથી ચિંતિત મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને વિદ્યાર્થીનીઓને આત્મહત્યાના વિચારોથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુવતીઓને ક્યારેય આત્મહત્યાના વિચારોમાં ધકેલવી જોઈએ નહીં. પરીક્ષણોને સિદ્ધિઓમાં ફેરવો. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના જાતીય, માનસિક અને શારીરિક ઉત્પીડનમાં સામેલ લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના તિરૂવલ્લુર જિલ્લાની સેક્રેડ હાર્ટ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની હાલમાં પોતાની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવી હતી. તિરૂવલ્લુરના પોલીસ અધિક્ષક સેફસ કલ્યાણે જણાવ્યું હતું કે, યુવતીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થી સરલા તમિલનાડુના તિરૂત્તાની રહેવાસી હતી.
તો બીજી તરફ 13 જુલાઈના રોજ કલ્લાકુરિચી જિલ્લાની એક શાળઆની ધોરણ 12ની વિદ્યાર્થીની શંકાસ્પદ પરિસ્થતિઓમાં તેની હોસ્ટેલમાં મૃત મળી આવી હતી જેના કારણે હિંસક વિરોધ થયો હતો. આ ઘટનામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓએ ઓછામાં ઓછી 15 બસોને સળગાવી દીધી હતી. તો ધોરણ 12ની અન્ય એક વિદ્યાર્થીએ પોતાની માતાના ઠપકાથી નારાજ થઈને કથિત રીતે આત્મહત્યા કરી હતી.