મહત્વનું છે કે, હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે. ત્યારે મોટે ભાગે બાળકોમાં ઝાડા-ઊલટીના કેસો વધારે જોવા મળતા હોય છે. જેના લીધે બાળકોમાં વધારે પડતા ડીહાઇડ્રેશનના કારણે તેઓના મૃત્યુ થતા હોય છે. આથી તબીબોએ કરેલા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સંશોધનમાં એમ જાણવા મળ્યું કે, ઝાડા-ઊલટીના કારણે બાળકો ડિહાઇડ્રેશનના શિકાર થઇ રહ્યાં છે. જેથી ડિહાઇડ્રેશનના લીધે બાળકોમાં મૃત્યુનો ખતરો વધી રહ્યો છે. વિશ્વભરમાં દર વર્ષે 40 લાખ બાળકો ઝાડા-ઊલટીમાં સપડાય છે. 40 લાખમાંથી 7 લાખ બાળકો મૃત્યુ પામતા હોવાનો સર્વેમાં ખુલાસો થયો છે. સુરતમાં પણ 6 મહિનામાં 106 બાળકોના મોત નિપજ્યા છે. ભારતમાં પણ ઝાડા-ઊલટીના કારણે બાળમૃત્યુના આંકડો ખૂબ મોટો છે. દેશમાં બાળમૃત્યુના આંકડામાં ઝાડા-ઊલટીની બીમારી બીજા ક્રમાંકે છે. આથી, બાળમુત્યુ અટકાવવા સિવિલના તબીબો ORS સપ્તાહની ઉજવણી કરશે.
સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં છેલ્લા 6 મહિનામાં 106 જેટલા બાળકોના મોત થયા છે. આ આંકડો ચિંતાજનક છે કારણ કે દર 2 દિવસે 1 બાળકો મોતને ભેટે છે.બાળ મૃત્યુઆંકની હકીકત સામે આવતા પીડિયાટ્રિક વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા. હોસ્પિટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાંત તબીબોના અભાવે પણ આ પરીસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાતો ચર્ચાઇ રહી હતી. જણાવી દઇએ કે, પીડિયાટ્રિક આઈસીયુમાં ગંભીર પ્રકારના બાળ દર્દીઓ દાખલ કરવામાં આવે છે. જેમની ઉંમર 1 માસથી વધુ હોય છે. પરંતુ દેખરેખના અભાવે છેલ્લા બે મહિનામાં 29 બાળકોએ જીવ ગુમાવ્યો છે.