ઉત્તર પ્રદેશની બે બહેનોએ આજથી 6 વર્ષ પહેલા પોતાની માતાને જીવતા સળગતી જોઈ હતી અને તેઓ લાચાર નજરે તે ઘટનાના સાક્ષી બની રહ્યા હતા. તાન્યા અને લતિકા બંસલ નામની તે બંને બહેનો આજે 18 અને 20 વર્ષની થઈ ગઈ છે અને તેમણે 6 વર્ષ લાંબી કાયદાકીય લડત બાદ પોતાની માતાના હત્યારા, પોતાના સગા પિતાને જ આજીવન કેદની સજા અપાવી છે. બુલંદશહર કોર્ટે બુધવારના રોજ આ મામલે આરોપી મનોજ બંસલને (48 વર્ષ) 20,000 રૂપિયાનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે દોષિતની બંને દીકરીઓની જુબાનીને મહત્વનો પુરાવો માન્યો હતો અને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આરોપી મનોજે 2016માં પોતાના સંબંધીઓ સાથે મળીને પોતાની પત્ની અનુ બંસલની હત્યા કરી નાખી હતી. મનોજે 14 જૂન 2016ના રોજ બંને દીકરીઓને એક રૂમમાં પૂરીને અનુને જીવતી સળગાવી દીધી હતી. તેના 6 દિવસ બાદ 20 જૂનના રોજ ગંભીર રીતે દાઝી જવાના કારણે અનુનું મોત થયું હતું
પીડિતા અનુ બંસલે 2000ની સાલમાં મનોજ સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ તેમને તાન્યા અને લતિકા નામની બે દીકરીઓ જન્મી હતી. તે દરમિયાન અનુનો 5 વખત બળજબરીથી ગર્ભપાત પણ કરાવાયો હતો. તેનું કારણ ફક્ત એટલું જ કે, તે એક દીકરો ઈચ્છતો હતો. આ કારણે મનોજ અને તેના સંબંધીઓ અનુને સતત હેરાન કરતા હતા અને છેલ્લે જીવતી સળગાવી દીધી હતી.
6 વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડત બાદ પિતાને સજા અપાવી શકેલી દીકરીઓએ જણાવ્યું કે, પિતાએ ફક્ત એટલા માટે મારી માતાની હત્યા કરી દીધી કારણ કે, તેમણે એક દીકરાને જન્મ નહોતો આપ્યો. માતાએ એટલી મુશ્કેલીથી અમારૂં પાલન-પોષણ કર્યું અને તે આદમીએ તેને જીવતી સળગાવી દીધી. અમારા માટે તે માત્ર એક દાનવ જ છે.