ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં રમત-રમતમાં ફાયરિંગને કારણે એક માસૂમનું મોત થઈ ગયુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બીજેપી નેતાના ઘરે કેટલાક બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક નજીકમાં રાખવામાં આવેલી લાયસન્સવાળી પિસ્તોલમાંથી ગોળી ચાલી ગઈ હતી.
ગોળી સીધી જ માસૂમને છાતીમાં વાગી અને તેનું દર્દનાક મોત થઈ ગયું હતું. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આ મામલો કરારી પોલીસ સ્ટેશનના અશોક નગરનો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ભાજપના જિલ્લા મહાસચિવ સંજય જયસ્વાલનું ઘર કરારી પોલીસ સ્ટેશન વિસ્તારના અશોક નગર વિસ્તારમાં છે. અહીં સાંજે 6 વાગ્યે પાડોશી રામેશ્વર પ્રસાદનો 11 વર્ષનો પુત્ર અનંત વર્મા જયસ્વાલના દીકરા સાથે ચોર-સૈનિક રમી રહ્યો હતો. આ દરમિયાન વિસ્તારના કેટલાક અન્ય બાળકો પણ હાજર હતા.
ઘરમાં કોઈ વડીલ સભ્ય હાજર નહોતા. જેથી બાળકો રમતા રમતા રૂમમાં પહોંચ્યા હતા. રૂમમાં ભાજપના નેતાની લોડેડ પિસ્તોલ રાખવામાં આવી હતી. જયસ્વાલના દીકરાએ રમતા-રમતા પિસ્તોલથી ગોળી ચલાવી દીધી હતી અને તે સીધી સામે ઉભેલા અનંત વર્માની છાતીમાં વાગી અને અનંત ત્યાં જ ઢળી પડ્યો હતો.
ગભરાયેલા બાળકોએ આખી વાત અનંતની માતાને કહી. અનંતની માતા તરત જ ઘટના સ્થળ તરફ દોડી. તેને જોઈને અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. પરિવારજનો અનંતને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યો હતો.
માહિતી મળતા જ એએસપી સમર બહાદુર અને સર્કલ ઓફિસર યોગેન્દ્ર કૃષ્ણ નારાયણ પોલીસ દળ સાથે જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસે ઘટના અંગે પરિવારજનોનીની પૂછપરછ કરી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો