Satya Tv News

હિન્દુ મહિલાઓ ડરી રહી હતી, ઘર અને દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. દરેકના ચહેરા પર ભય હતો. બાંગ્લાદેશના હિન્દુઓ છેલ્લાં દસ વર્ષથી આવા ભયમાં જીવી રહ્યા છે, જોકે હવે આ ભય એ વિસ્તારમાં પણ પહોંચી રહ્યો છે, જ્યાં પહેલાં નહોતો.

આ બાબત બાંગ્લાદેશમાં હિન્દુઓના અધિકારો માટે કામ કરતા સામાજિક કાર્યકર્તા નિર્મલ ચેટર્જીએ કહી છે. નિર્મલ હાલમાં જ હિંસાગ્રસ્ત રહેલા નડાઈલ જિલ્લાના દધાઈલ ગામની મુલાકાત કરીને પરત ફર્યા છે. અહીં બે સપ્તાહ પહેલાં એક કથિત વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ પછી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

નિર્મલ ચેટર્જી કહે છે- હિન્દુઓનાં ઘર અને દુકાનોને લૂંટી લેવામાં આવ્યાં છે. મહિલાઓનાં ઘરેણાં પણ છીનવી લેવામાં આવ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની આ પહેલી કે એકમાત્ર ઘટના નથી. આ વર્ષે ટોળાએ માર્ચમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. પછીથી પ્રશાસને એને પ્રોપર્ટી વિવાદ હોવાનું કહ્યું હતું.

ઓક્ટોબર 2021માં ઘણા જિલ્લાઓમાં હિન્દુઓ પર હુમલા થયા હતા. દુર્ગા પૂજા દરમિયાન આ હુમલાઓમાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 12 જેટલા લોકો ઘાયલ થયા હતા. મુસલમાનોનાં ટોળાંએ ઘણાં શહેરોમાં દુર્ગા પંડાલો પર હુમલા કર્યાં હતાં. આ હુમલા પણ કથિત રીતે કુરાનના અપમાનના આરોપ પછી થયા હતા.

વર્ષ 2016માં નસીરનગરમાં હિન્દુઓ પર મોટો હુમલો થયો હતો. 19 મંદિરને તોડવામાં આવ્યાં હતાં અને 300થી વધુ હિન્દુ ઘરને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં 2012 કોક્સ બજાર જિલ્લાના રામુ ઉપ જિલ્લામાં લઘુમતી એવા બૈદ્ધોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ પણ એક વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ પછી જ થયા હતા

2013માં આ રીતે હિન્દુઓ પર તબક્કાવાર હુમલા થયા હતા અને સંખ્યાબંધ ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં માનવઅધિકાર અને કાયદાકીય અધિકારી માટે કામ કરનાર સંગઠન આઈન ઓ સાલિશ કેન્દ્રના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં વર્ષ 2013થી 2022ની વચ્ચે હિન્દુઓનાં 1642 ઘર અને 456 દુકાન તથા વ્યાપારિક ઠેકાણાં પર હુમલા કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન 1807 મંદિર, બોદ્ધ વિહારો અને મૂર્તિઓ પર હુમલા કરવામાં આવ્યા. એની તોડફોડ કરવામાં આવી. ન્યૂઝના આધારે તૈયાર કરવામાં આવેલા ડેટા મુજબ, આ દરમિયાન સાંપ્રદાયિક હુમલાઓમાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા અને 1037 ઘાયલ થયા.

સોશિયલ એક્ટિવિસ્ટ નિર્મલ ચેટર્જીએ કહ્યું હતું કે હિન્દુઓ પર હુમલાના નવી પેટર્ન બહાર આવી રહી છે. સાંપ્રદાયિક તત્ત્વો હવે ખાસ કરીને હિન્દુ શિક્ષકોને ટાર્ગેટ કરી રહ્યા છે. આવા હુમલાઓની સ્વતંત્ર તપાસ થતી નથી. આ સિવાય તપાસ સમયે પૂરી પણ થતી નથી.

error: