Satya Tv News

8 કલાકમાં 50 સે.મી. નો વધારો.

પાણીની આવક 7,45,724 ક્યુસેક નોંધાઈ.

નદીમાં કુલ જાવક 5,44,744 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે.

કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,238 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

હાલ ડેમમાંથી કુલ જાવક – 5,62,982

મધ્યપ્રદેશના ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં ક્રમશ:આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.જેને કારણે નર્મદા ડેમની જળ સપાટીસતત વધતી જઈ રહી છે આજે નર્મદા ડેમની સપાટી135.31મીટર નોંધાયેલ છે.જે મહત્તમ ઓવરફ્લો સપાટીથી હવે માત્ર 3.37મીટર દૂર છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાંપાણીની આવક 7,45,724 ક્યુસેક થઈ રહી છે જે અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે

ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે નર્મદા ડેમના ૨૩ દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. તેની સાથોસાથ ભૂગર્ભ જળવિદ્યુત મથક રિવર બેડ પાવર હાઉસમાંથી વિજ ઉત્પાદન બાદ 44744 ક્યુસેક પાણીનર્મદામાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 18238 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતું હોઈ કુલ 5,62,982ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે.આમ નર્મદામાં પાણીની કુલ આવક 7,45,724 ક્યુસેક સામે 5,62,982 ક્યુસેક જાવક નોંધાઈ છે.હાલ નર્મદા ડેમનો લાઈવ સ્ટોરેજ 4707.1મિલિયન ઘન મીટર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને 24 કલાકમાં ડેમની સપાટી ઘટાડવામાં આવી રહી છે ,હવે 7.45 લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર 5.62 લાખ ક્યુસેક જ પાણી છોડાશે, વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. તેમજ જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો,જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

એ ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે સાવચેત કરવામાં આવ્યાં છે.

જયારે જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.જે પાણી 08કલાકમાં નર્મદા ડેમમાં આવશે.નર્મદા ડેમના ડાઉન્સ્ટ્રીમના ગામો માટે સંવેદનશીલ નિર્ણય સરદાર સરોવર નર્મદા નિગમે કર્યોછે..વધારાનો પાણીનો સંગ્રહ ડેમમાં કરાશે જેથી નર્મદા,વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને પૂરની અસરોથી બચાવી શકાય.વધારાનું 1,82,742 ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવનાર હોય ડેમની સપાટીમાં સતત વધારો નોંધાશે

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: