મુંબઇ મહાનગરની નજીક આવેલા પાલઘર જિલ્લામાં જ બનેલા અત્યંત કરૃણ બનાવમાં સગર્ભાને હોસ્પિટલે પહોંચાડવા સમયસર કોઇ વાહન ન મળતા આખરે રસ્તામાં જ તેની પ્રસૂતી થઇ ગઇ હતી અને સારવાર ન મળતા માતાએ નજર સામે પોતાના જોડિયા બાળકોને દમ તોડતા જોવાની કારમી ઘડી આવી હતી.
પાલઘર જિલ્લાના મોખાડા પાસેના સુદૂર બોટોશી ગામની સગર્ભા વંદના બુધરને બે દિવસ પહેલાં પ્રસૂતી પીડા ઉપડી હતી. ગામડામાં રસ્તો અત્યંત ખરાબ હોવાથી વંદનાને સુવાવડ માટે હોસ્પિટલમાં લઇ જવા કોઇ જ વાહન ન મળ્યું. એટલે ગ્રામજનોએ લાકડી સાથે કપડાંની ઝોળી બાંધી હતી અને એમાં મહિલાને સુવડાવી પગપાળા લઇ જતા હતા ત્યારે અધવચ્ચે જ વંદનાની પ્રસૂતિ થઇ ગઇ હતી. અને તેણે ટ્વીન્સને જન્મ આપ્યો હતો. પરંતુ સમયસર સારવાર ન મળતા અધૂરા મહિને જન્મેલા બંને માસુમો મૃત્યુ પામ્યા હતા