ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા કેટલાય વિકાસના કાર્યોનું ધોવાણ થયું છે. કરોડોના ખર્ચે બનાવેલા રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો. ક્યાંક કરોડોના ખર્ચે નવનિર્મિત બ્રિજ અને રસ્તાઓ પર ખાડારાજ જોવા મળી રહ્યુ છે. કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે પરંતુ અંદર તો પોલમપોલ હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે વધુ એકવાર પુલ પર મસમોટુ ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી હતી.
નર્મદાના રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર મસમોટું ગાબડું પડ્યું. એક બે ફૂટ નહી આતો 20 ફૂટનું ગાબડુ પડતા 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ બ્રિજના સામેના છેડે 9થી 10 ગામો આવેલા છે. ગાબડાને કારણે સંપૂર્ણ વાહનવ્યવહાર ખોરવાયો છે. જો કે આ મામલે તંત્ર હજી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. પંરતુ ગ્રામજનોએ આ પુલ પરથી પસાર થવાની એક તરકીબ શોધી નાંખી. તેઓ દોરડા અને નિસરણીની મદદથી ગાબડામાં થઇને રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા. વાહન તો આવી શકે તેમ નથી જેથી પગપાળા જ જીવના જોખમે ગાબડામાં થઇને અવરજવર કરતા જોવા મળ્યા હતા.