CBI અને EDની ટીમે આજે બુધવારે વહેલી સવારથી બિહારમાં ધામા નાંખ્યાં છે. CBIની અલગ અલગ ટીમે બિહારમાં RJDના ચાર નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં ભરતી સાથે જોડાયેલો છે. RJDના કોષાધ્યક્ષ અને MLC સુનીલ સિંહ, પૂર્વ MLC સુબોધ રોય, રાજ્યસભા સાંસદ ફૈયાઝ અહમદ અને રાજ્યસભાના સાંસદ અશફાક કરીમના ઘરે CBIની ટીમ કાર્યવાહી કરી રહી છે.
આ તરફ ખનનના ગોટાળામાં દિલ્હી, ઝારખંડ અને તામિલનાડુ સહિત દેશમાં 17 સ્થળે ED કાર્યવાહી થઈ રહી છે. EDએ ખનન કૌભાંડમાં કડક પગલાં લીધાં છે. ઝારખંડમાં રાંચી, દિલ્હી અને તમિલનાડુમાં 17 સ્થળોએ EDના દરોડા ચાલી રહ્યા છે. ઝારખંડના CM હેમંત સોરેનના નજીક મનાતા પ્રેમ પ્રકાશના રાંચી સ્થિત નિવાસ સ્થાનો પર EDની તપાસ ચાલી રહી છે.
CBIની ટીમ સવારે 8 વાગ્યે અબુ દોજાના, RJDના રાજ્યસભાના સાંસદ અશફાક કરીમ, રાજ્યસભાના સાંસદ ફૈયાઝ અહમદ અને RJDના કોષાધ્યક્ષ અને MLC સુનીલ સિંહના ઘરે પહોંચી હતી. દરોડા દરમિયાન સુનીલ સિંહ પોતાના ઘરની બાલ્કનીમાં નજરે પડ્યા હતા. સુનીલ અને તેની પત્ની દરોડાને બદલો લેવાની કાર્યવાહી ગણાવે છે. સુનીલ સિંહે કહ્યું કે, મને બહાર કાઢી મૂક્યો છે અને મારા ઘરમાં ઘૂસી ગયા. અબુ દોજાનાના ઘરે પણ તપાસ ચાલી રહી છે. દોજાનાની કંપની જે મોલનું કન્સ્ટ્રક્શન કરી રહી છે, તે મોલ તેજસ્વી યાદવનો હોવાનું કહેવાય છે.