નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
છાપરા – કાંસીયા જવાના માર્ગ ઉપર પાણી ભરાયા
ઉપરવાસમાં સતત વરસાદના કારણે સરદાર ડેમ છલોછલ થઇ ગયો છે અને તેના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી સતત 6 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે 6 કલાકે નર્મદા નદીની સપાટી 28 ફૂટને સ્પર્શી ગઈ હતી. છેલ્લા બે દિવસથી ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે અને નર્મદા નદીએ તેની ભયજનક સપાટી બુધવારના રોજ પર કરી નાખી હતી. ગુરુવારે વહેલી સવારે પાણીની સપાટી 28 ફૂટને આંબી ગઈ હતી. આજે સવારે 6 કલાકે નર્મદા નદીનું જળસ્તર 27.94 ફૂટ નોંધાયું હતું. નર્મદા ડેમ હાલ 136 મીટરને પાર ભરાયેલો છે અને તેના કારણે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં ઇનફ્લો સતત વધી રહ્યો છે. નર્મદા નદીમાં પાણીની આવકના પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, ખાલપીયા ગામના લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે તો ભરૂચના ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી, બામણીયા ઓવારા, દાંડિયા બજારના નીચલા વિસ્તાર સહિતના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંક્લેશ્વરના છાપરા,કાંસીયા જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાયું છે જેના કારણે આ માર્ગ આવન જાવન માટે બંધ કરવામાં આવ્યો છે. હજુ પણ સપાટીમાં વધારો થઇ શકે છે.