ખેડાના માતર તાલુકાના ત્રાજ ગામમાં આજથી અંદાજે 8 દિવસ પહેલાં બનેલી ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. એકતરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનું ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, નરાધમે હત્યા બાદ છરીથી હાથ ઉપર પણ કાપા માર્યા હતા. ઘરમાં સૌની લાડલી દીકરીના મોતના 8 દિવસ બાદ પણ તેનાં માતા-પિતાની આંખોના આંસુઓ હજી સુકાયા નથી. લાડલીને યાદ કરીને હજી રડ્યાં રાખે છે. કૃપાના પિતા દિલીપભાઈને 3 સંતાન હતાં, જેમા બે દીકરી અને એક દીકરો છે. કૃપા વચેટ હતી
દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું, ‘એ શ્રાવણ મહિનો કરતી હતી. એ દિવસે એ ઘરેથી મંદિર જવા નીકળી હતી અને મહાદેવજીની આરતી પતાવીને પછી ઘરે આવી. તેને ઉપવાસ હતો એટલે એ ફરી દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ. ત્યાં પેલો (રાજુ પટેલ) પાછળથી આવીને છરીના ઘા મારીને નાસી ગયો. આ ઘટના બની ત્યારે સાંજના 7.15થી 7.30ની આસપાસનો સમય હતો. હું ગામમાં રહું છું અને મંદિર તળાવ પર છે. ઘટનાસ્થળથી મારું ઘર અડધો કિલોમીટર જેટલું દૂર છે. ઘટના બાદ આરોપી ગામમાં ક્યાંક નાસી ગયો હતો. 10 મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી. પછી પોલીસ પકડી લીધો હતો. હત્યારો મારા ઘરથી 10 મિનિટના અંતરે આવતા બીજા ફળિયામાં રહે છે.’