Satya Tv News

બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક માએ પોતાના 15 મહિનાના બાળકને બચાવવા માટે વાઘ સામે બાથ ભીડી લીધી. વાઘના નખ મહિલાનાં ફેફસાં સુધી ઘૂસી ગયા, પરંતુ તેણે હિંમત ન હારી. તે 20 મિનિટ સુધી લડતી રહી અને વાઘના જબડામાંથી પુત્રને છોડાવી લાવી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને જબલપુર રેફર કરવામાં આવી છે. ઘટના રોહનિયા ગામની છે.

મળતી માહિતી મુજબ, માનપુર બફર ઝોન નજીક જ્વાલામુખી વસતિમાં રહેતા ભોલા ચૌધરીનાં પત્ની અર્ચના રવિવારે સવારે 10 વાગ્યે પોતાના પુત્ર રાજવીરને નજીકના વાડામાં શૌચ માટે લઈ ગઈ હતી. આ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલો વાઘ લાકડાં-કાંટાની ફેન્સિંગને પાર કરીને અંદર આવ્યો અને બાળકને પોતાના જબડામાં દબાવી દીધો.

પુત્રને બચાવવા માટે અર્ચના વાઘ સામે લડી ગઈ. આ દરમિયાન વાઘના નખ તેનાં ફેફસાં સુધી ઘૂસી ગયા, તેમ છતાં તે લડતી રહી. લગભગ 20 મિનિટ સુધી આ સંઘર્ષ ચાલ્યો, જેનો અવાજ સાંભળીને વસતિના લોકો લાકડીઓને લઈને પહોંચ્યા તો વાઘ જંગલ તરફ ભાગી ગયો. બંનેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક ઉપચાર પછી જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યાં.

જિલ્લા હોસ્પિટલમાં તપાસ પછી મહિલાની ડોક તૂટી ગઈ છે. સ્થિતિ ગંભીર થતાં તેને જબલપુર રેફર કરવામાં આવી છે. સિવિલ સર્જન ડૉ. એલ એન રુહેલાએ જણાવ્યું કે મહિલાની પીઠ પર નખના ઊંડા ઘા હતા. ટાંક લગાડવામાં આવ્યા બાદ પણ લોહી અટકતું ન હતું. બાળકના માથામાં ઈજા થઈ છે, પરંતુ તે ખતરાથી બહાર છે.

ટાઈગર રિઝર્વના અધિકારી ગામમાં સતત એલર્ટ રહેવા માટે જણાવી રહ્યા છે. તેમને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ખેતરમાં છુપાયેલા વાઘને જંગલમાં ખદેડવા માટે હાથીઓની મદદ લેવામાં આવી રહી છે.

error: