Satya Tv News

ભૂમાફિયાએ નેતાઓ મળી રૂ.100 કરોડની 7 લાખ ચો.મીટર સરકારી જમીન વેચી

કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના

ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યા નજીક સરકારી જમીનોનો એકથી વધુ વખત સોદો,ચોંકેલી સરકારે તપાસ માટે SITની રચના કરી
સરકારી માલિકીની 4.60 લાખ ચો.મીટર જમીન એક કરતાં વધુ વખત વેચવામાં આવી

અમદાવાદ નજીક ધોલેરામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનની જાહેરાત કર્યા બાદ આ વિસ્તારમાં જમીનોના ભાવમાં રાતોરાત વધારો થયો હતો. આ તકનો લાભ લઈને જમીન-માફિયાઓએ સરકારી માલિકીની જમીનોનો બારોબાર સોદો કરીને કરોડો રૂપિયા અંકે કરી લીધા હતા. રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને જમીન-માફિયાઓએ ધોલેરામાં બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસનાં ગામમાં વર્ષ 2014થી લઇ 2021 સુધીના ગાળામાં 100 કરોડ રૂપિયાથી વધુની 6થી 7 લાખ ચો.મીટર સરકારી જમીન વેચી દીધી હતી.

હવે સરકારના આદેશ બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે, જેમાં સ્થાનિક પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીનો સમાવેશ થાય છે. સરકારી ચોપડે ભૂમાફિયા દ્વારા અંદાજે 4,60,358 ચો.મી. જમીન એક અને એક કરતાં વધુ ‌વખત વેચાણ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.

હાલ ખૂબ જ ખાનગીરાહે તપાસ ચાલુ હોવાથી જિલ્લા કલેકટર કચેરીએ કાંઇ કહેવા ઇન્કાર કર્યો છે. બીજી બાજુ સીટને 15 દિવસમાં રિપોર્ટ આપવા જણાવાયું હતું, પરંતુ પૂરતા પુરાવા નહીં મળવાને લીધે હજી સમગ્ર રિપોર્ટ તૈયાર થતાં ત્રણ મહિનાનો સમય લાગશે. ધોલેરા તાલુકો વર્ષ 2015થી અસ્તિત્વમાં આવ્યો હોવાથી વેચાણ દસ્તાવેજોની વિગતો એ વર્ષથી ધ્યાનમાં લેવાઇ છે, પરંતુ આ પહેલાં જ સરકારી જમીન વેચાઇ રહી હતી.

ખૂણગામની આકારણી રજિસ્ટર પત્રકની ચકાસણીમાં 52 અને ભીમતળાવમાં 27 વ્યક્તિના આકારણી રજિસ્ટરમાં ગામતળની ઘરથાળની ખુલ્લી જમીન, ગામતળની ખુલ્લી જમીન, ગૌચર જમીન, વાડો, વંડો હેઠળ નોંધાયેલી છે. આ જમીનોનું ભૂમાફિયા દ્વારા ગેરકાયેદ રીતે ખૂણગામમાં 2,89,329 ચો.મી. અને ભીમતળાવ ગામમાં 1,71,027 ચો.મી. મળી અંદાજે 4,60,358 ચો.મી. જમીનનું એક અને એક કરતાં વધુ ‌વખત વેચાણ કરાયું છે.

કૌભાંડની જાણ થતાં પગલાં ભરવાને બદલે નેતાઓ, અધિકારીઓની સૂચનાથી ભૂમાફિયાઓએ મોટી જમીનના 600થી 700 ચો.મીટરના ટુકડા કરીને વેચ્યા હતા. વર્ષ 2014થી 2021 દરમિયાન 70થી 80 હજાર ચો.મીટર જમીનના સંખ્યાબંધ દસ્તાવેજો કરાયા હતા, જેની તપાસની માગણી ઊઠી છે.

નિષ્ણાતોના મતે જે ગામમાં ગેરકાયદે જમીન વેચવાનું કૌભાંડ થયું હોય એ ગામતળની જમીનની 7-12 મુજબ માપણી કરાવી પડે. ગામતળને અડીને આવેલી સરકારી જમીનની માપણી કરાય તો મૌટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે, જેથી જમીન ખરીદનારાઓએ દસ્તાવેજોની ચકાસણી કરી લેવી જોઇએ.

ધોલેરામાં ખરીદેલી જમીન સરકારી હોવાનું બહાર આવશે તો જમીનમાં રોકાણ કરનારાનાં નાણાં ડૂબશે. અમદાવાદ, બરોડા, સુરત ઉપરાંત મુંબઈ સહિતના લોકોએ અહીં જમીનોમાં રોકાણ કર્યું છે.

સરકારી જમીન હોવાનું બહાર આવ્યા બાદ બહારની કેટલીક કંપનીઓએ દસ્તાવેજો રદ કરાવી દીધા છે. સરકારી તપાસની મગજમારીમાં ઊતરવું પડે નહીં એ માટે સામે ચાલીને પોતાના દસ્તાવેજ રદ કરાયા છે.

ધોલેરાના તત્કાલીન સબરજિસ્ટ્રારે 2014થી 2021 દરમિયાન ભીમતળાવ ગામમાં મિલકતોના વેચાણ દસ્તાવેજો કર્યા હતા. મિલકતો ઘરથાળ-ગામતળ વંડાની ખુલ્લી જમીન તરીકે નોંધાયેલી હતી. મિલકતોના ક્ષેત્રફળનો ક્યાંય ઉલ્લેખ નથી. તત્કાલીન તલાટી-કમ-મંત્રી દ્વારા અપાયેલાં મકાનો અને જમીનના આકારણીના દાખલામાં ક્ષેત્રફળનો ઉલ્લેખ જ નહોતો. આમ છતાં સબ-રજિસ્ટ્રારે ક્ષેત્રફળ દર્શાવતા વેચાણ દસ્તાવેજો કર્યા છે. ખરેખર તો ચકાસણી રેકોર્ડ ઓફ રાઇટસ મુજબ સરકારી રેકોર્ડની ચકાસણી કર્યા બાદ જ દસ્તાવેજો નોંધવાના હતા, જે થયું નથી.

સમગ્ર કૌભાંડમાં તત્કાલીન તલાટી-કમ-મંત્રીની સંડોવણી પણ બહાર આવી છે. તેમણે ખૂણ અને ભીમતળાવ ગામની જમીનોના દસ્તાવેજ નિયમાનુસાર થયા છે કે નહીં એની ચકાસણી કરી નથી. સીટ દ્વારા તલાટીની ભૂમિકાની પણ તપાસ કરાશે.

ઉપરોક્ત સમયગાળામાં ધોલેરા તાલુકાના ખૂણ-ભીમતળાવ ગામની ગ્રામપંચાયતે જમીન વેચનાર-લેનારનાં નામ ફેરફાર કરવા અંગેના ઠરાવો કર્યા હતા. નામ ફેરફાર માટે રજૂ થયેલા વેચાણ દસ્તાવેજો કાયેદસર છે કે નહીં? એની ચકાસણી કરાઈ નહોતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખૂણ-ભીમતળાવ ગામમાં સરકારી જમીનોના વેચાણમાં ઘણા ખરીદારોની પણ સંડોવણી છે. તેમણે મિલકત કાયદેસર છે કે નહીં એ તપાસ્યા વિના જ દસ્તાવેજો કરાયા હતા.

error: