વિસર્જનયાત્રા સુપેરે પાર પાડવા સુરત જિલ્લામાં 2300 અને તાપીમાં 865થી વધુ પોલીસ જવાન તૈનાત
સુરત જિલ્લામાં ગણેશ વિસર્જન માટેની વહીવટીતંત્રની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. 8 તાલુકામાં 2300 જેટલા પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલ અંદાજિત 1038થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. જિલ્લામાં ગણેશ વિસર્જનમાં સેન્સિટીવ ગણાતા બારડોલી નગરમાં પણ પૂર્વ તૈયારીઓ થઈ ગઈ છે. નગરમાં રજીસ્ટ્રેશન 120 શ્રીજીનું વિસર્જન માટે 400 જેટલો પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળશે. જેમાં ગૌરવપથ પર 40 જેટલા સીસી કેમેરાની નજર વચ્ચે 48 શ્રીજીઓની લાઈનમાં શોભાયાત્રા નીકળશે.
તમામ શ્રીજી તલાવડીમાં આંબેડકર સર્કલ સુધી લઈ જવામાં આવશે. ત્યાંથી પાલિકાએ મુકેલ 24 જેટલી ટ્રકમાં 2 ક્રેન અને પાલિકાના આરોગ્ય વિભાગના 50 જેટલા સ્ટાફટીમની મદદથી મૂકીને હજીરા ખાતે વિસર્જન કરવા લઈ જવાશે. જ્યારે બારડોલી તાલુકાના 85 ગામોની શ્રીજી મંડળોની મૂર્તિ 12 નક્કી કરેલ સ્થળ પર વિસર્જન માટે લઈ જવામાં આવશે. જિલ્લા સહિત બારડોલી નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તકેદારી રાખી છે.
બારડોલી નગરના શ્રીજીની મૂર્તિઓ રેલવે સ્ટેશન ચારરસ્તાથી ભવ્ય શોભાયાત્રા નીકળીને તલાવડી આંબેડકર સર્કલ પર આવશે. ત્યાંથી પાલિકાના આરોગ્ય વિભાગના 42 કામદારો નાની અને મિડીયમ મૂર્તિઓ ગણેશ મંડળ પાસેથી લઇને બારડોલી કડોદ માર્ગ પર ઊભેલી 24 જેટલી ટ્રકમાં મૂકશે. જ્યારે 2 ક્રેનની મદદથી મોટી મૂર્તિને ટ્રકમાં મૂકવામાં આવશે. જે ટ્રક ભરીને હજીરા ખાતે વિસર્જન માટે રવાના થશે. જ્યારે ગણેશમંડળો શાસ્ત્રી રોડ વિસ્તારના સોસાયટીના રહીશો રામજીમંદિર થઈ રૂટ પર નીકળી જશે. જ્યારે ગાંધીરોડ વિસ્તારના સોસાયટીના ગણેશમંડળ રહીશો તાલુકા સેવાસદન થઈ ગાંધીરોડ થઈ પરત થશે. જેથી મુખ્યમાર્ગ પર ટ્રાફિક ન થાય.
બારડોલી નગરમાં શ્રીજી વિસર્જન યાત્રા ખૂબ જ ભવ્ય નીકળતી હોય છે. સમગ્ર જિલ્લાની મુખ્ય વિસર્જન યાત્રા ગણવામાં આવે છે. ત્યારે નગરમાં વિસર્જન યાત્રા બાદ ગૌરવપથ પર ગુલાલ પથરાઈ જતો હોય છે. જે બીજા દિવસે સફાઈ કરવા છતાં વાહનોની અવર જવરના કારણે ઉડતા તકલીફ થતી હોય છે. જેથી પાલિકાના સીઓ વિજય પરીખે આ વખતે નવું આયોજન કરાયું છે. જેમાં રાત્રે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થયા બાદ આરોગ્ય વિભાગના 30 જેટલા સ્ટાફને રાત્રે જ સફાઈ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. 1 રોડ સ્વિપર મશીન માર્ગ પર સફાઈ માટે મૂકી દેવામાં આવશે. કચરો ભરવા માટે 4 ટ્રેકટર તૈયાર રાખવામાં આવ્યા છે.
બારડોલી નગરમાં આવેલી મસ્જિદ પર ગુલાલ વધારે ઊડતો હોવાથી દર વર્ષે એક તરફનો ભાગને ઢાંકી દેવાતો હતો. વિસર્જનયાત્રા પૂર્ણ થયા બાદ પાલિકાના ફાયર વિભાગ રાત્રે ધોઈ નાખતું હતું. પરંતુ આ વખતે ગણેશ વિસર્જનમાં મસ્જિદના વિસ્તારને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ગુલાલ ન પડે.