300 કિ.મી દૂર પહોંચેલા યુવાનને સલામત નીચે ઉતારાયો
પાઈનના વૃક્ષ પર ફળ ઉતારવા માટે હાઈડ્રોજન બલૂનનો ઉપયોગ કર્યા પછી કાબૂ ગુમાવી દીધો હતો
ચીનમાં એક યુવાન બે દિવસ સુધી હાઈડ્રોજન બલૂનમાં ફસાયેલો રહ્યો હતો. બલૂને એ દરમિયાન ૩૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી લીધો હતો. એ પછી યુવાનને સલામત રીતે નીચે ઉતારાયો હતો.
ચીનમાં હેઈલોંગજિયાન પ્રાંતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. બે યુવાનો પાઈના વૃક્ષ પરથી ફળો ઉતારવા જંગલમાં પહોંચ્યા હતા. પાઈનના ઝાડની ઊંચાઈ ઘણી વધુ હોવાથી ત્યાં સુધી ચડવું મુશ્કેલ હતું. આ બંને જુગાડુ યુવાનોએ ઊંચા વૃક્ષ સુધી પહોંચવા માટે હાઈડ્રોજન બલૂનનો ઉપયોગ કરવાનું વિચાર્યું.
બંને હાઈડ્રોજન બલૂન પર સવાર થયા, બલૂન જેવું ઊંચે ચડયું કે એના પરનો કાબૂ રહ્યો નહીં. તક જોઈને એક યુવાન કૂદી ગયો, પરંતુ યોંગશુ નામનો યુવાન કૂદી શક્યો નહીં. એ બલૂનમાં જ રહી ગયો. બલૂન ઊંચે ચડી ગયું. નીચેથી દોસ્તે રેસ્ક્યૂ માટે પોલીસની મદદ મેળવી. પોલીસે યુવાનની ભાળ મેળવવા કોશિશ કરી, પરંતુ તુરંત સંપર્ક થયો હતો. બે દિવસ સુધી તેને નીચે ઉતારવાની કોશિશ ચાલતી રહી. યુવાન બે દિવસ સુધી આકાશમાં જ રહ્યો અને બલૂનમાં પ્રવાસ કરતો રહ્યો. બે દિવસમાં બલૂને ૩૦૦ કિલોમીટરનું અંતર કાપી લીધું.
યુવાન મોબાઈલની રેન્જમાં આવ્યો એટલે પોલીસે તેનો સંપર્ક કર્યો. પોલીસના જવાનોએ બલૂનને કેવી રીતે નીચે ઉતારી શકાય તે યુવાનને સમજાવ્યું. આખરે એક જંગલમાં યુવાને સલામત રીતે બલૂન ઉતાર્યું. એ રીતે બે દિવસ પછી જે જગ્યાએથી તે ઉડયો હતો એના ૩૦૦ કિલોમીટર દૂરથી તેને રેસ્ક્યૂ કરાયો હતો