પૂરમાં મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 1400ને પાર, 13 હજાર જેટલા ઇજાગ્રસ્ત, હજુ લાખો લોકો પૂરમાં ફસાયેલા
જીડીપી બે ટકા ઘટશે : 10 ટકા સ્વાસ્થ્ય સેવાઓ નાશ પામી, મહામારીની ડબલ્યુએચઓની ચેતવણી
પાકિસ્તાનમાં વિનાશકારી વરસાદને કારણે સમગ્ર દેશ પૂરની લપેટમાં આવી ગયો છે. જેને પગલે પાકિસ્તાન વધુ આર્થિક ભિસમાં આવી ગયો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પાક.નો ત્રીજાભાગનો હિસ્સો પાણીમાં ડુબી ગયો છે. જેથી આશરે ૯૦ અજબ ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. અને સાથે જ જીડીપીમાં બે ટકાનો ઘટાડો થવાની પણ શક્યતાઓ છે. એક રિપોર્ટ મુજબ પૂરને કારણે ૧૨ લાખ ગર્ભવતી મહિલાઓનો જીવ જોખમમાં છે.
અંતરીયાળ વિસ્તારોમાં ફસાયેલી ગર્ભવતી મહિલાઓને લઇને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ પણ ચિંતા વ્યક્ત કરી છે. હાલ પૂરની સ્થિતિમાં જે બાળકોનો જન્મ થયો હોય તેમના સ્વાસ્થ્યને પણ જોખમ છે. ડબલ્યુએચઓએ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઇ રહી છે જેને કારણે મહામારીનો પણ ખતરો છે. સિંધ પ્રાંતના ખૈરપુરમાં રહેતી એક મહિલાએ ચાલુ વરસાદે બાળકને જન્મ આપ્યો હતો, એક તરફ ખુશીનો માહોલ હતો જ્યારે બીજી તરફ આ મહિલા અને તેનો પરિવાર જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા હતા.
પાક.માં સ્થિત ડબલ્યુએચઓના પ્રતિનિધિ ડો. પલિતા ગુણરત્ના મહિપાલે જણાવ્યું હતું કે હાલ સ્થિતિ એટલી ખરાબ છે કે ૧૦ ટકા સ્વાસ્થ્ય સેવાઓ તહેસ નહેસ થઇ ગઇ છે. સૌથી વધુ ચિંતા તે ૧૨ લાખ ગર્ભવતી મહિલાઓની છે કે જેઓ હાલ પૂરને કારણે તૈયાર કરાયેલા કેમ્પોમાં રહી રહી છે.
આ કેમ્પોની આસપાસ પણ પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ હાલ ડેમ, તળાવો પણ તુટવા લાગ્યા છે. નાસાની સેટેલાઇટ દ્વારા પાક.ના પુરની સ્થિતિ કેદ કરાઇ હતી, સિંધ પ્રાંતમા મંછર નામનું મીઠા પાણીનું સરોવર આવેલુ છે જે તુટી જતા પૂરે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. આ વિસ્તારમાં રહેતા એક લાખ લોકો હાલ આ સરોવર તુટી જતા ફસાઇ ગયા છે. પીવાના પાણીની પણ અછત ઉભી થઇ રહી છે.
પાકિસ્તાનના મીડિયા ધ ડોનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં પૂરની અસર ત્રણ કરોડ લોકો પર થઇ રહી છે. હાલ ૬૦ લાખથી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી પૂરમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા પણ વધીને ૧૪૦૦ને પાર જતી રહી છે. જ્યારે ઇજાગ્રસ્તોની સંખ્યા ૧૨૭૦૦ને પાર જતી રહી છે.