શહેરમાં દિવસભર વાદળછાયાં વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડી ગયું છે. આગામી 4 દિવસ સુરતમાં વરસાદને લઇ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત શહેર અને જિલ્લામાં 16 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે, કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટાં પડ્યાં હતાં. શહેરનો મોસમનો કુલ વરસાદ 1423 મીમી થયો છે. આજે જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં 37 મીમી અને માંગરોળમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 4 દિવસ શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 93 ટકા અને સાંજે 71 ટકા રહ્યું હતું. પશ્ચિમ દિશાથી 5 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.નોંધનીય છે કે, ઉકાઇ ડેમની સપાટી 339.51 ફૂટ થઇ છે.
ઇનફલો 27696 ક્યુસેક અને આઉટફલો 11804 ક્યુસેક છે. હાલની સપાટી ભયજનક 345 ફૂટથી 5.50 ફૂટ જ દૂર છે. હાલમાં ઉપરવાસમાં વરસાદ સામાન્ય છે, પરંતુ 27 હજારથી લઇ 43 હજાર ક્યુસેક ઇનફલો ચાલુ રહેતાં છેલ્લા 24 કલાકમાં સપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધાયો છે