બારડોલી તાલુકાના ઉતારા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં દીપડાએ કુતરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. સ્થળ પર સવારે જોતા દીપડાના પગ માર્ક જોવા મળી આવ્યા હતા. જેને લઈ ગ્રામજનોમાં ભયના માહોલ વચ્ચે બારડોલી વનવિભાગની ટીમને જાણ કરી હતી. દીપડાને પકડી પાડવા માટે વનવિભાગની ટીમ દ્વારા સ્થળ પર મારણ સાથે પીંજરું મુકવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામમાં ઘણા સમયથી રાહદારીઓને દીપડાઓની અવર જવર જોવા મળી રહી છે. ત્યાં તો ફરી ગતરોજ મોડી રાત્રે ઉતારા ગામે રહેતા શ્યામલાલ માધુદાસ વૈષ્ણવ જેઓના ઘરના ઓટલા પર સુતેલા કુતરાના બચ્ચાને દીપડાએ દબોચી ખેતરમાં ભાગી ગયો હતો. સવારે જે મામલે ગામનાં સરપંચ નવીનભાઈ હડપતિને જાણ કરતા તેઓએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટનાં પ્રમુખ જતીન રાઠોડને જણાવ્યું હતું. જતીન રાઠોડે સ્થળ પર પહોંચી તપાસ કરતા દીપડાના પગ માર્ક મળી આવ્યા હતા. બાદ જતીન રાઠોડ દ્વારા રહેણાંક વિસ્તારમાં દીપડાની અવર જવરને બારડોલી વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. દીપડાને પકડી પાડવા માટે વનવિભાગની ટીમે હાલ સ્થળ પર મારણ સાથે પીંજરું મુકવામાં આવ્યું છે.