બુટલેગર નાનીયા સહિત 5 આરોપી વોન્ટેડ,કોસાડમાં દારૂ વેચવામાં બાળકોનો ઉપયોગ કરાતો હતો
ગાંધીનગર વિજીલન્સે દરોડો પાડી આભવા ગામથી દેશી દારૂ સહિત 44 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ કોસાડ આવાસ સહિત 3 વિસ્તારોમાંથી 46 હજારના વિદેશી દારૂ સહિત 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ વિજીલન્સે અમરોલી અને ડુમસ પોલીસમાં 2 ગુના દાખલ કરી 9 મહિલાઓ સહિત 13 લોકોને ઝડપી પાડ્ી કુલ દારૂ સહિત કુલ દોઢ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
આ બંને કેસમાં પોલીસે નાનીયા બુટલેગર સહિત 5 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે આભવામાં વિજીલન્સે બુટલેગરને માહિતી મળે તે પૂર્વે જ તેના બે પન્ટરોને ઊંચકી લઇ બાદમાં દરોડો પાડ્યો હતો. બીજી તરફ કોસાડ આવાસ વિસ્તારમાં દારૂ વેચવામાં બાળકોનો ઉપયોગ કરાતા હોવાનું પણ સામે આવ્યું છે. આભવામાં નાનુ ઉર્ફે નાનીયાના પન્ટરો 25 બાઇકો પર દારૂના પોટલા લઈ ઉમરાગામ, પિપલોદ, મગદલ્લા, ગવિયર, વેસુ, ભટાર, નાનપુરા, ગોલવાડ, પનાસમાં સપ્લાય કરતા હોય છે.
વિજીલન્સે અમરોલી કોસાડ આવાસમાં અલગ અલગ 3 જગ્યાએ રેડ કરી બુટલેગર અનિલ વસાવા, વિશ્વાસ વસાવા, વિકાસ સેઠી અને અશરફ શેખને પકડી પાડયા હતા. જયારે મુખ્ય સૂત્રધાર બીપીટુંક અને જાવીદ ઉર્ફે બલી લંગડાને વોન્ટેડ જાહેર કર્યા છે. બુટલેગર અનિલ અને વિકાસ ત્રણેય દારૂ વેચવા બાળકોને રાખતા હતા. આભવા ગામે આમલી ફળિયામાં નાનીયા પટેલના દારૂના અડ્ડા પર 13મી તારીખે રેડ કરી બુટલેગરની પત્ની નીતા પટેલ, રેખા પટેલ, મીનાક્ષી પટેલ, સાવિત્રી પટેલ, વાંસતી પટેલ, રાજેશ્રી પટેલ, છાયા પટેલ, નયના પટેલ અને જ્યોતિ પટેલ દારૂનું પૅકિંગ કરતા પકડાયા હતા. નાનીયો પટેલ, દિપક બાબુ કહાર અને મિતેશ ઝવેર કહાર ભાગી ગયા હતા.